મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

ક્રિપ્ટો કરન્સી આસમાને : ચાલુ વર્ષે ૧૭૫% વધારા સાથે એક બિટકોઇનની કિંમત ૧૪.૬૨ લાખ રૂપિયા પહોંચી

નવી દિલ્હી તા. ૨ : ક્રિપ્ટોકરન્સી બિટકોઇન રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સપ્તાહના પ્રારંભમાં બિટકોઇન ૯% વધ્યો છે . બીટકોઈન વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તરે એટલેકે ૧૯,૮૬૦ ડોલર પર પહોંચી ગયું છે જેનું મૂલ્ય ભારતીય કરન્સી રૂપિયામાં ૧૪ લાખ ૬૨ હજાર જેટલું થાય છે. આ અગાઉ ડિસેમ્બર ૨૦૧૭માં બિટકોઇન પ્રતિ યુનિટ ૧૯,૮૭૩ ડોલર સુધી પહોંચ્યો હતો.

૨૦૨૦ માં બિટકોઇનએ મોટી છે. આશ્ચર્ય વચ્ચે આ વર્ષે અત્યાર સુધીમાં તેની કિંમતમાં ૧૭૫%નો વધારો થયો છે. કોરોનાએ દસ્તક દીધી ત્યારે બીટકોઈનનો ભાવ માર્ચમાં પ્રતિ યુનિટ ૪૦૦૦ સુધી ગગડી ગયો હતો પરંતુ, બાદમાં ડોલરની નબળાઈને કારણે બિટકોઇન ઝડપથી વધી રહ્યો છે. યુ.એસ.ની એક બ્રોકરેજ અને ટ્રેડિંગ ફર્મનું કહેવું છે કે ઈન્ડિવિઝયુઅલ અને એસેટ મેનેજરો મોટી સંખ્યામાં બીટકોઇન્સ ખરીદી રહ્યા છે. હાલમાં લગભગ ૩૬૫ અબજ ડોલરના બિટકોઇન્સ વ્યવહારમાં છે.

વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક એ આગાહી કરી છે કે બિટકોઇન એક સમયે સોનાનું સ્થાન લઈ શકે છે. નાના ક્રિપ્ટોકરન્સીમાં એથેરિયમ, એકસઆરપી, લાઇટકોઇન અને સ્ટેલરની કિંમતોમાં વધારાને કારણે બિટકોઇન પણ વેગ પકડી રહ્યો છે. બિટકોઇનની શોધ ૨૦૦૮ માં થઈ હતી. જે સત્તાવાર ૨૦૦૯ માં બજારમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજી સુધી બિટકોઇન સહિતની કોઈપણ ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવામાં આવી નથી.

(11:16 am IST)