મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

કોરોનાની સારવારમાં હોમિયોપેથીની પૂરક કે પ્રિવેન્ટીવ સારવાર અંગે કેન્દ્રની ગાઇડલાઇન સ્પષ્ટ નથી

આ અંગે સુપ્રિમ કોર્ટ હવે પછી સ્પષ્ટતા આપશે : ચુકાદો અનામત રાખ્યોઃ સરકાર કહે છે હોમિયોપેથિ તબીબો કોવિડ સારવાર માટે દવાઓ લખી શકે નહિ

નવી દિલ્હી,તા. ૨: કોરોના દર્દીઓને પૂરક સારવાર તરીકે કે પછી પ્રિવેન્ટિવ સારવાર તરીકે પણ હોમિયોપેથી પ્રેકિટશનર્સને મંજુરી અંગે આયુષ મંત્રાલયની એડવાઇઝરીમાં સ્પષ્ટતાનો અભાવ છે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો ચુકાદો અનામત રાખતાં કહ્યું હતું કે પોતે આ વિશે સ્પષ્ટતા કરી આપશે.

આયુષ મેડિકલ પ્રેકિટશનર, કોવિડ માટે માત્ર ઇમ્યુનિટી બુસ્ટર તરીકે જ સરકારમાન્ય મિશ્રણ આપી શકે તેવા કેરળ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી એક અરજીના સંદર્ભમાં સુપ્રીમે આ પ્રમાણે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટને જણાવાયું હતુ કે આયુષ મંત્રાલય દ્વારા કોવિડ દર્દીઓને જે દવાઓ આપવાની મંજુરી આપવામાં આવી છે તે માત્ર પૂરક સારવાર તરીકે છે. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર.એસ.રેડ્ડી તથા જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે જણાવ્યું હતુ કે કોવિડ દર્દીઓની ઇમ્યુનિટી વધારવા માટે તેમને પ્રોફિલેકિટક ઇન્ટરવેન્શન્સ તરીકે દવા આપવાની હોમિયોપેથિક તબીબોને મંજુરી આપવી કે કેમ તે અંગે તે પોતે સ્પષ્ટતા કરી આપશે.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર વતી જણાવ્યું હતું કે આયુષ મંત્રાલયે ગઇ તા. છઠ્ઠી માર્ચે આપેલી એડવાઇઝરી અનુસાર હોમિયોપેથિ તબીબો કોવિડની સારવાર માટે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી શકે નહીં પરંતુ તેઓ રોગપ્રતિકારક શકિત વધારવા માટે પ્રિવેન્ટિવ સ્વરૂપણની દવાઓ આપી શકે છે. તેમણે કહ્યું હતું કે મંત્રાલયે આ અંગે ની એફિડેવિટ ઓલરેડી ફાઇલ કરી દીધી છે.

(11:13 am IST)