મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

તહેવારોની સિઝનને કારણે નવેમ્બરમાં ઓટો સેક્ટરમાં સુધારો : વેચાણ વધ્યું

મારુતિ સુઝુકી, હ્યુન્ડઈ મોટર, કિયા મોટર્સ અને ટાટા મોટર્સ સહિતના વેચાણમાં વધારો

નવી દિલ્હી: તહેવારોની સિઝનને કારણે નવેમ્બરમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડઈ મોટર, કિયા મોટર્સ અને ટાટા મોટર્સનું સ્થાનિક બજારમાં વેચાણ વધ્યું હતું. હ્યુન્ડઈએ તો નવેમ્બરમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ દર્શાવ્યું હતું. બીજી તરફ હોન્ડા કાર્સ, ટોયોટા કિર્લોસ્કર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એમજી મોટરનું વેચાણ પણ વધ્યું હતું. ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીએ નવેમ્બર મહિનામાં કુલ વેચાણમાં 1.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. તેણે નવેમ્બરમાં 1,53,223 યુનિટનું વેચાણ કર્યું હતું, જે ગત વર્ષે નવેમ્બરમાં 1,50,630 યુનિટ હતું. ઓક્ટોબર 2020માં તેણે 1,82,448 યુનિટનું વેચાણ કર્યું હતું. આમ, માસિક ધોરણે તેમાં ઘટાડો થયો હતો.

મારુતિનું કુલ સ્થાનિક વેચાણ નવેમ્બરમાં સાધારણ વધીને 1,44,219 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 1,43,686 યુનિટ હતું. નિકાસ 29.7 ટકા વધીને 9004 યુનિટ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 6944 યુનિટ હતી. અલ્ટો ને એસ-પ્રેસોનું વેચાણ 15.1 ટકા ઘટીને 22,229 ચયુનિટ થયું હતું. કોમ્પેક્ટ સેગમેન્ટ(સ્વિફ્ટ, સિલેરિયો, ઈગ્નિસ, બલેનો, ડિઝાયર)માં વેચાણ 1.8 ટકા ઘટીને 76,630 યુનિટ થયું હતું. મિડ સાઈઝ્ડ સિડેન સિયાઝનું વેચાણ 29.1 ટકા વધીને 1870 યુનિટ થયું હતું. યુટિલિટી સેગમેન્ટ (વિટારા બ્રેઝા, એસ-ક્રોસ, અર્ટિગા)માં વેચાણ 2.4 ટકા વધીને 23,753 યુનિટ થયું હતું.

હ્યુન્ડઈ મોટર ઈન્ડિયાનું સ્થાનિક વેચાણ 9.4 ટકા વધીને 48,800 યુનિટ થયું હતું, જે કોઈપણ એક મહિનામાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. ઓલ-ન્યૂ i20 લોન્ચ કરવાનો સારો ફાયદો થયો. જોકે નિકાસ 34.6 ટકા ઘટીને 10,400 યુનિટ થઈ હતી. કંપનીનું કુલ વેચાણ નવેમ્બરમાં 2.1 ટકા ઘટીને 59,200 યુનિટ થયું હતું. ટાટા મોટર્સનું સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ 108 ટકા વધીને 21,641 યુનિટ થયું હતું. કુલ વેચાણ 21 ટકા વધીને 49,650 યુનિટ થયું હતું. કુલ સ્થાનિક વેચાણ 26 ટકા વધીને 47,859 યુનિટ થયું હતું. કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 9 ટકા ઘટીને 27,982 યુનિટ થયું હતું.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું પેસેન્જર વ્હીકલનું વેચાણ 24 ટકા વધીને 18212 યુનિટ થયું હતું. ટ્રેક્ટરનું વેચાણ 56 ટકા ઉછળીને 32,726 યુનિટ થયું હતું. કુલ વેચાણ 4 ટકા વધીને 42,731 યુનિટ થયું હતું. અશોક લેલેન્ડનું કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 5 ટકા વધીને 10,659 યુનિટ થયું હતું. એસ્કોર્ટ્સનું ટ્રેક્ટરનું વેચાણ 33 ટકા વધીને 10,165 યુનિટ થયું હતું.

(11:12 am IST)