મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

કાયારૂપે નહિ તો કાર્યરૂપે સદા ધબકતા - ઝબકતા રહેશે : આપની યાદ ચિરંજીવી રહેશે

અભયભાઇ અને અકિલા પરિવાર : સ્નેહની કડી, સદાય વડી

ભારદ્વાજ પરિવાર અને અકિલા પરિવારનો અતૂટ આત્મીય નાતો : સમયાંતરની મુલાકાતો સંભારણારૂપ : ઉજાલે અભયભાઇ કી યાદો કે હમારે સાથ રહ ગયે....

આ સ્નેહ કેમ ભૂલાશે ? : આજે જેની અંતિમયાત્રા નિમિત્તે સેંકડો ચાહકો આંસુ પાડી રહ્યા છે તે સ્વ. અભયભાઇ ભારદ્વાજ અને અકિલા પરિવાર વચ્ચે દાયકાઓથી નેહ નીતરતો નાતો રહ્યો છે. બંને પરિવારો વચ્ચે અવાર-નવાર મુલાકાત થતી રહેતી. અભયભાઇ અને તેમના લઘુબંધુ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ પારિવારીક ભાવથી અવાર-નવાર અકિલાના આંગણે મુલાકાત લેતા રહેતા. ઉપરોકત તસ્વીર આવા જ એક સમયની છે. ભારદ્વાજ બંધુઓ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા સાથે ખુશખુશાલ ચહેરે વાતો કરી રહ્યા છે. અભયભાઇ સૌને પ્યારા હતા, હવે પ્રભુને પ્યારા (સ્વર્ગસ્થ) થઇ ગયા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨ : રાજ્યસભાના સાંસદ અને ભાજપના અડીખમ અગ્રણી શ્રી અભયભાઇ ભારદ્વાજે દુનિયામાંથી ચિરવિદાય લીધી છે. જાહેર જીવનને તેમના અવસાનથી મોટી ખોટ પડી છે. શ્રી અભયભાઇ અને તેમના લઘુબંધુ ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી નીતિન ભારદ્વાજ સાથે અકિલા પરિવારને વર્ષોથી આત્મીય નાતો રહ્યો છે. ભારદ્વાજ પરિવાર અને અકિલા પરિવારનો સબંધ વર્ષોથી અતૂટ છે. સ્વ. અભયભાઇની અનેક યાદો અકિલા પરિવાર સાથે સંકળાયેલી છે. બંને પરિવારો વચ્ચેની અવાર-નવારની મુલાકાતો સંભારણારૂપ બની છે.

ભારદ્વાજ પરિવારના પ્રત્યેક પ્રસંગમાં અકિલા પરિવારને નેહ નીતરતુ નિમંત્રણ હોય જ. બન્ને ભાઇઓનો અકિલા પરનો પ્રેમ અદ્ભૂત રહ્યો છે. શ્રી અભયભાઇ પણ સમયાંતરે અકિલા પરિવારની મુલાકાત લેતા રહેતા હતા. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેઓ અવાર-નવાર ફોનથી કે રૂબરૂ વિવિધ વિષયોની ચર્ચા કરતા રહેતા હતા. અકિલા પરિવારના શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા, શ્રી નિમિષ ગણાત્રા અને અન્ય તમામ સભ્યો માટે તેમને અપાર લાગણી હતી. અકિલા પરિવારે તેમના દુઃખદ અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે.  સ્વ. અભયભાઇના જ્ઞાન, માહિતી અને કુશળતાનો અકિલા પરિવારને અનેક વખત લાભ મળ્યા છે. કોઇ અખબારી પરિવાર નહિ પણ પોતાનો પરિવાર હોય તે રીતે તેઓ સબંધોની માવજત કરતા હતા. તેઓ કુશળ, લાગણીશીલ અને દીર્ધદ્રષ્ટિવંતા અગ્રણી હતા. તેમનું મનોબળ અત્યંત મજબૂત હતું. અકિલા સાથેની પ્રસંગોપાત વાતચીત વખતે સમાજ માટે કંઇક કરી છુટવાની તેમની લાગણી તરવરતી હતી. તેઓ હવે કાયારૂપે નહિ તો કાર્યરૂપે સદાય ધબકતા - ઝબકતા રહેશે.

(2:49 pm IST)