મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

૧ જાન્યુઆરીથી શરૂ થઇ જશે અમલવારી

ફાસ્ટ ટેગ નહીં હોય તો આપવો પડશે ડબલ ટોલટેક્ષ

નવી દિલ્હી તા. રઃ નવા વર્ષથી ટોલ પ્લાઝા પરથી પસાર થનાર ગાડીમાં ફાસ્ટ ટેગ નહીં હોય તો બમણો ટોલ ચૂકવવો પડશે. એનએસએઆઇએ પહેલી જાન્યુઆરી ર૦ર૧ થી ફાસ્ટ ટેગ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ બધા પ૭૩ ટોલ પ્લાઝા પર રોકડમાં ટોલ વસૂલવાનો બંધ કરવાની તૈયારીઓ થઇ રહી છે. જણાવી દઇએ કે ફાસ્ટ ટેગ ન હોય તેવા વાહનો માટે પ્લાઝા પર ફકત એક જ લાઇન હશે.

 

દેશના બધા ટોલ પ્લાઝા પર પહેલાથી જ ફાસ્ટ ટેગ લગાવવાની સુવિધા મળી રહી છે. તેના માટે વાહનનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અને આધાર, પાન અથવા ડ્રાઇવીંગ લાયસન્સમાંથી કોઇ એક ઓળખપત્ર હોવું જરૂરી છે. કેટલાક પેટ્રોલ પંપ, એમેઝોન, ફિલપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમમાંથી પણ ઓનલાઇન ફાસ્ટ ટેગ લેવાની સુવિધા છે. આ ઉપરાંત બેંકમાંથી પણ ફાસ્ટ ટેગ લઇ શકાય છે. ફાસ્ટ ટેગ બેંક ખાતા સાથે જોડાયેલ હોવાથી તેને રીચાર્જ કરાવતા બેંક ખાતામાંથી પૈસા કપાઇ જશે. કેન્દ્રીય મોટર વ્હીકલ એકટ ૧૯૮૯ અનુસાર, ફાસ્ટ ટેગને એક ડીસેમ્બર ર૦૧૭ પછી ખરીદાયેલ ચાર પૈડાના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે ફરજીયાત બનાવાયું હતું. આ સાથે જ ટ્રાન્સપોર્ટ વાહનોનું ફીટનેસ સર્ટીફીકેટ પણ ફાસ્ટ ટેગ લગાવ્યા પછી જ કરવાનું ફરજીયાત બન્યું છે. (૭.૧ર)

આવી રીતે કામ કરે છે ફાસ્ટ ગેટ

જેવી તમારી ગાડી ટોલ પ્લાઝા પાસે આવે, એટલે ત્યાં લાગેલા સેન્સર તમારા વાહનના વીન્ડ સ્ક્રીન પર લાગેલ ફાસ્ટ ટેગને ટ્રેક કરે છે. ત્યાર પછી તમારા ફાસ્ટ ટેગ એકાઉન્ટમાંથી તે પ્લાઝા પર લાગતો ટોલ કપાઇ જાય છે. આમ તમે ટોલ પર રોકાયા વીના ટોલની ચુકવણી કરી શકો છો.

(11:10 am IST)