મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd December 2020

કોરોના મામલે ગુજરાતના બાકીના શહેરો કરતા

રાજકોટ- જામનગર- ભાવનગર- જુનાગઢ સહિત ૮ શહેરોમાં સ્થિતિ ગંભીર? પ્રતિ ૧૦ લાખે મૃત્યુઆંક ૧૫ ગણો વધુ

નવી દિલ્હી, તા.૨: કોરોના વાયરસની બીજી લહેર ગુજરાતના શહેરો માટે કેટલી ગંભીર સાબિત થઈ રહી છે? ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં સ્થિતિ કેટલી ગંભીર છે? આ જાણવા માટે ગાંધીનગર IIPH દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ- આ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં છેલ્લા પખવાડિયા (૧૬-૩૦ નવેમ્બર)માં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ મૃત્યુદર બાકીના ગુજરાત કરતાં ૧૫ ગણો વધારે હતો.

એનાલિસિસમાં આ આઠ શહેરોની વસ્તી ૨.૧૫ કરોડ ધારી લેવામાં આવી અને બાકીના ગુજરાતમાં ૪.૨૫ કરોડની વસ્તી હશે તેવું માનવામાં આવ્યું કારણકે રાજયની કુલ વસ્તી ૬.૪ કરોડ છે. આ આંકડાઓના આધારે રિસર્ચરોએ કહ્યું કે, આ આઠ શહેરોમાં પ્રતિ દસ લાખની વસ્તીએ ૦.૭૬ મૃત્યુ થાય છે જે બાકીના ગુજરાતમાં થતાં ૦.૦૫ મોતથી વધારે છે. છેલ્લા ૧૫ દિવસમાં આખા ગુજરાતમાં દર દસ લાખની વસ્તીએ ૦.૩ મૃત્યુ નોંધાયા હતા. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

ચોક્કસ આંકડાની વાત કરીએ તો, રાજયયમાં છેલ્લા પંદર દિવસમાં ૧૮૬ મૃત્યુ નોંધાયા છે જેમાંથી ૧૬૪ અથવા ૮૮્રુ આઠ શહેરોમાંથી હતા. બાકીના ૨૨માંથી ૭ મૃત્યુ શહેરોના જિલ્લા (જેમકે, અમદાવાદ અથવા સુરત)ઓમાંથી હતા.

ગાંધીનગર IIPHના ડાયરેકટર પ્રોફેસર દિલીપ માવલંકરે કહ્યું, 'આ પરિસ્થિતિ માટે વિવિધ કારણો જવાબદાર હોઈ શકે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં વસ્તી ગીચતાં વધારે છે. જયાં નાગરિકોની અવરજવર વધારે હશે ત્યાં ચોક્કસ આ વાયરસ ઝડપથી ફેલાશે. તહેવારો દરમિયાન આપણે જોયું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયું. જે મોંઘું પડ્યું છે.'

શહેરના પલ્મનોલોજિસ્ટ અને રાજયના કોવિડ-૧૯ કંટ્રોલ કમિટિના સભ્ય ડો. તુષાર પટેલે કહ્યું, 'દુનિયાભરનો ટ્રેન્ડ જોઈએ તો શહેરો આ મહામારીનું એપિસેન્ટર બની રહ્યા છે. આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને ક્ષણભર માટે પણ ઢીલાશ ન વર્તવી જોઈએ. આ મહામારી અહીં રહેશે અને શહેરોમાં રહેતા લોકોએ હાલની સ્થિતિમાં વધારે સાવધ રહેવું જોઈએ.'

પ્રોફેસર દિલીપ માવલંકરે ઉમેર્યું, 'શહેરોની સરખામણીએ અન્ય સ્થળોએ કોવિડ-૧૯ ઈન્ફેકશનથી થતાં મોત નોંધવા અંગેની જાગૃતિ ઓછી છે. સુરત અને વલસાડ જેવા જિલ્લાઓમાં ઈન્ફેકશન અને મૃત્યુદરના ટ્રેન્ડની સરખામણી માટે સિસ્ટમેટિક સ્ટડીની જરૂર છે.'

(9:37 am IST)