ચીને સિચુઆન-તિબેટ રેલવે લાઈન નિર્માણની તૈયારી કરી
અવરચંડા ચીનની સરહદ પર નાપાક હરકતો જારી : અરૂણાચલ સરહદ ઉપર ચીનનો ડોળો, અરબોનો ખર્ચ
નવી દિલ્હી, તા. ૨ : ચીન વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ સિચુઆન-તિબેટ રેલવે લાઇનનું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે. આ રેલવે લાઇન દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના યાનથી શરૂ થશે અને તિબેટમાં લિંઝી સુધી જશે. આ રેલવે લાઇનના નિર્માણથી ચીનની પહોંચ અરૂણાચલ પ્રદેશની લગભગ બોર્ડર સુધી પહોંચી જશે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કર્યાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ માટે ખરબો રૂપિયાનો ખર્ચ કરશે.
ચીન રેલવેએ શનિવારે આ રૂટ પર બનાવા જઇ રહેલ બે ટનલ અને એક પુલના ટેન્ડરના પરિણામની જાહેરાત કરી. આ સિવાય યાન-લિંઝી લાઇનને વીજળી પહોંચાડવાનું ટેન્ડરિંગ પણ ફાઇનલ થઇ ગયું છે. ચીનનું આ પગલું એ સંકેત છે કે બેઇજિંગ ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન સિચુઆનની રાજધાની ચેંગડૂથી શરૂ થશે. આ રેલવે લાઇનના નિર્માણ બાદ લહાસા સુધીની ૪૮ કલાકની મુસાફરી ફક્ત ૧૩ કલાકમાં શક્ય બની જશે. સિચુઆન-તિબેટ રેલવે એ તિબેટમાં ચીનનો બીજો પ્રોજેક્ટ છે. અગાઉ ચીન કિંગાઇ-તિબેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ રેલવે લાઇન કિંઘા-તિબેટ પ્લેટ્યુ પરથી પસાર થશે. આપને જણાવી દઇએ કે સિચુઆન-તિબેટ રેલવે લાઇન તિબેટના જે લિંઝીમાં સમાપ્ત થશે તે જગ્યા અરુણાચલ પ્રદેશની સરહદથી ખૂબ જ નજીક છે. ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને પણ પોતાનો હિસ્સો માને છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. ભારતે ચીનના આ દાવાનો સખત વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આખું અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ગ્લોબલ ટાઇમ્સના મતે સિચુઆન-તિબેટ રેલવે લાઇનની લંબાઈ ૧૦૧૧ કિલોમીટરની હશે. આ રૂટ પર ટ્રેનો ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકથી ૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. ચીન આ પ્રોજેક્ટ પર કુલ ૪૭.૮ અબજ ડોલર ખર્ચ કરશે.