મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

મુકેશ અંબાણી બીમાર હોવાના વાયરલ મેસેજથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં શેર 8 ટકા ગગડ્યો

રિલાયન્સ જૂથે આ મામલે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા કે નિવેદન હજુ સુધી આપ્યું નથી

મુંબઈ : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં આજે 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. 22 જુલાઈથી 2 હજાર રૂપિયા ઉપર ટ્રેડિંગ થઈ રહેલા શેરની કિંમત આજે બજાર બંધ થયું, ત્યારે હવે 1,900 રૂપિયાથી પણ નીચે પહોંચી ગઈ છે. આજના સત્રની સમાપ્તિ સમયે 1,876 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. આજે રિલાયન્સના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1 લાખ 9 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. માર્કેટ કેપ 13.89 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 12.80 લાખ કરોડ રૂપિયા સુધી ગગડી છે.

એક સપ્તાહમાં કંપનીની માર્કેટ કેપમાં 1.36 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો દાખલ થયો છે.આજના 8 ટકાના કડાકા પૂર્વે RIL 12 મેના દિવસે 7 ટકા તૂટ્યો હતો.સપ્તાહના પહેલા સોમવારે સવારે RILનો શેર 6 ટકા ઘટીને 1940 રૂપિયા સુધી પહોંચ્યો હતો. દિવસ દરમિયાન શેર 7 ટકાથી વધુ ઘટીને ભાવ 1,902 રૂપિયા નજીક પહોંચ્યા છે. આ ઘટાડાના કારણે કંપનીની માર્કેટ કેપ રૂ.70 હજાર કરોડ ઘટી ગઈ. 23 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી કંપનીની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

RIL ના તૂટવા પાછળ સોશિયલ મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી બીમાર છે અને અંબાણી લંડનમાં તેમનું ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ વાઈરલ ખબર બાદ એક કલાકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડના શેરમાં આજે કડાકો બોલ્યો છે. ઉપરાંત, સોશિયલ મીડિયા પર એવી ચર્ચા પણ થઈ રહી છે કે મુકેશ અંબાણીની તબિયત ખરાબ હોવાના કારણે અંબાણી ફેમિલીના સભ્યો IPLની મેચોમાં દેખાતા નથી. રિલાયન્સ જૂથે આ મામલે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા કે નિવેદન આપ્યું નથી.

(7:11 pm IST)