મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

પુખ્ય વયના છોકરા-છોકરી પોતાની મરજીથી ગમે તેની સાથે રહી શકે છેઃ હાઇકોર્ટનો મોટો ચુકાદો

નવી દિલ્હી, તા.૨:અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું છે કે પુખ્ત વયનો છોકરો અને છોકરી પોતાની મરજીથી પસંદના કોઇપણ વ્યકિત સાથે રહી શકે છે. તેના જીવનમાં હસ્તક્ષેપ કરવાનો કોઇને અધિકાર નથી. હાઇકોર્ટે કહ્યું કે જો કે બંધારણ પ્રત્યેક વ્યકિતને પોતાની પસંદનો ધર્મ અપનાવવાનો અધિકાર આપે છે, પરંતુ ફકત લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યો છે, જે ખોટુ છે.

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે સ્પેશિયલ મેરેજ એકટ અંતર્ગત ધર્મ પરિવર્તન કર્યા વિના બે ધર્મોને માનતા લોકો લગ્ન કરીને વૈવાહિક જીવન પસાર કરી શકે છે. આ કાયદો તમામ ધર્મને માનનારાઓ પર લાગુ છે. તેમ છતાં લોકો લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, તે યોગ્ય નથી. કોર્ટે વિપરિત ધર્મોની પિટિશનને પોતાની મરજીથી ગમે ત્યાં, ગમે તેની સાથે રહેવા માટે સ્વતંત્ર કરી દીધી છે. આ આદેશ જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેચે સહારનપુરની પૂજા ઉર્ફે ઝોયા તથા શાહવેઝની પિટિશન પર આપ્યો છે.

જણાવી દઇએ કે પૂજાએ દ્યરેથી ભાગીને શાહવેઝ સાથે લગ્ન કરી લીધાં. જયારે પરિવારને આ અંગે જાણ થઇ તો તેને પકડી લાવ્યા અને ઘરમાં નજરકેદ કરી દીધી. જેના પર આ અરજી દાખલ કરવામાં આવી. કોર્ટે ૧૮ વર્ષીય પૂજાને હાજર કરવાનો આદેશ આપ્યો. પિતા દ્વારા પૂજાને હાજર કરવામાં ન આવતા એસપી સહારનપુરને પૂજાને હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો. કોરોના રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં હાજર થયેલી પૂજાએ કહ્યું કે તે પોતાના પતિ સાથે રહેવા માગે છે. કોર્ટે યુવતીના નિવેદનના આધારે તેને પોતાની મરજીથી જવા માટે સ્વતંત્ર કરી દીધી.

(3:43 pm IST)