મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

સ્વાભિમાની મહિલા પર બળાત્કાર થાય તો તે મરી જશે

કેરળ કોંગ્રેસ પ્રમુખનું વિવાદિત બયાન

ત્રિવેન્દ્રમ તા. રઃ કેરળમાં કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે રેપ પીડિત મહિલાઓ અંગે રવિવારે વિવાદીત બયાન આપ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મુલ્લપલ્લી રામચંદ્રન રાજયની એલડીએફ સરકાર પર સોલર સ્કેચ અને ધાકધમકીના રાજકારણ બાબતે બોલી રહ્યા હતા.

રામચંદ્રને કહ્યું કે જો એ સ્વભિમાની મહિલા પર બળાત્કાર થાય તો તે મરી જવાનું પસંદ કરે અથવા તો આવું બીજી વાર નહીં થવા દે. કોંગ્રેસી નેતાએ એક વિરોધ પ્રદર્શન દરમ્યાન પોતાના ભાષણમાં કહ્યું કે પિનરાઇ વિજયન ધાક ધમકીનું રાજકારણ ખેલી રહ્યા છે પણ તેમનો આ પેંતરો અહીં નહીં ચાલે. તેમણે આગળ કહ્યું કે લોકોને સમજાઇ ગયું છે કે જયારે હવે તેઓ ડૂબવા લાગ્યા છે ત્યારે પોતાને બચાવવા એક વેશ્યાનો ઉપયોગ કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાના બયાન પર વિવાદ વધ્યો તો તેમણે આ અંગે સફાઇ આપવાનું ચાલુ કરી દીધું. તેમણે કહ્યું કે જો મારા બયાનથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું તેમની માફી માંગુ છું. મારા કહેવાનો મતલબ હતો કે સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને હવે બચવા માટે પેંતરાઓ અજમાવી રહી છે.

રાજયના કોંગ્રેસ પ્રમુખની ટીપ્પણી કથિત રીતે સોલર કૌભાંડમાં સામેલ એક મહિલાના સંદર્ભમાં હતી. આ મહિલાએ હાલમાં જ કોંગ્રેસ નેતા પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. રાજયની મહિલા અને બાળ વિકાસ પ્રધાન કે. કે. શૈલજાએ રાજાચંદ્રનની ટીપ્પણીઓને અયોગ્ય ગણાવીને તેની ટીકા કરી હતી.

(11:36 am IST)