મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

કાળજું કંપાવી નાખે તેવી ઘટનાઃ મહિલાએ પાંચ બાળકોને છત પરથી ફેંકી દીધા

એક બાળકની સ્થિતિ નાજુક છે અને ચાર ગંભીર રીતે ઘાયલ છે

રાંચી,તા. ૨: ઝારખંડના સાહિબગંજમાં એક મહિલાએ ૫ બાળકોને પોતાના બે માળના મકાનની છત પરથી એક-એક કરીને નીચે ફેંકી દીધા. એક બાળક નીચે પડતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને બીજા બાળકોને જમીન પર પડતા પહેલા કેચ કરી લઈને બચાવી લીધા. જોકે, તેમાં બાળકોને ઈજા પહોંચી છે. એક બાળકની સ્થિતિ નાજુક છે અને ચાર ગંભીર રીતે ઘાયલ છે. મહિલાએ પોતાની દીકરીને પણ છત પરથી નીચે ફેંકી દીધી. આ બધાને બચાવવા જતાં એક યુવકને પણ ઈજા થઈ છે.

ઘટના અંગે મળતી જાણકારી મુજબ, સાહિબગંજમાં રવિવારે સવાલે ૭ વાગ્યે એક મહિલાએ ૫ બાળકોને બે માળના મકાનની છત પરથી એક-એક કરીને નીચે રસ્તા પર ફેંકી દીધા. આસપાસના લોકોએ જણાવ્યું કે, બાળકોને ફેંકનારી મહિલા ઘરની જ પુત્રવધૂ છે. કેટલાક દિવસોથી તેનું માનસિક સંતુલન બરાબર નથી. તે ઘણી વખત ઘરેથી ભાગી જતી હતી. પરિવારના લોકો તેને પકડીને ઘરે લઈ આવતા હતા. રવિવારે સવારે ૭ વાગ્યે એક-એક કરીને ઘરના બધા બાળકોને મહિલાએ બે માળના મકાનની છત પરથી નીચે ફેંકી રહી હતી. પહેલું બાળક ફેંકયા બાદ જયારે ગામ લોકોએ જોયું તો બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. પાડોશીઓએ જણાવ્યું કે, ઘરના માલિક બધા બાળકોને સારવાર માટે પડોશી રાજયના ભાગલપુર સ્થિત હોસ્પિટલ લઈ ગયા છે.

ઘટના સંબંધમાં નજરે જોનારાઓએ કહ્યું કે, બિહારી લાલ મંડલ ભવનમાં આસપાસના કેટલાક બાળકો ટીવી જોઈ રહ્યા હતા. આ દરમિયાન ઘરની એક મહિલા બાળકોને બહાનું બતાવી છત પર લઈ ગઈ, પછી બધાને છત પરથી નીચે ફેંકી દીધા. શેરીમાં રહેતા બુધન મંડલ નામના યુવાન અને શર્મિલા નામની એક યુવતીએ બાળકોને કેચ કરીને બચાવી લીધા. આ ઘટનામાં ૧૨ વર્ષના અંશ કુમાર અને ૧૦ વર્ષના આયુષ કુમારને ગંભીર ઈજા થઈ છે, તો બાળકોને બચાવવામાં બુધન મંડલ પણ ઘાયલ થયો છે.

ઘટના સંબંધમાં પોલીસે જણાવ્યું કે, બધા બાળકોક મહિલાા સંબંધીઓના જ છે. કોઈપણ બાળકના માતા-પિતા કે સંબંધીએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી .પોલીસ મામલાની તપાસ કરી રહી છે. સંબંધિત મહિલાને પણ પોલીસ સ્ટેશન બોલાવાઈ છે. પૂછપરછ કર્યા બાદ અને કોઈના દ્વારા ફરિયાદ નોંધાવાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(10:13 am IST)