મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

LAC પર તણાવ વચ્ચે આ મહિને ૩ વાર પીએમ મોદી અને શી જિનપિંગ થશે 'આમને સામને'

દુનિયાના અલગ અલગ અને મહત્વપૂર્ણ મંચો પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આમનો સામનો થઈ શકે છે

નવી દિલ્હી,તા.૨: લદાખ માં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આ મહિને ત્રણવાર દુનિયાના અલગ અલગ અને મહત્વપૂર્ણ મંચો પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આમનો સામનો થઈ શકે છે. શાંઘાઈ શીખરવાર્તાથી આ મુલાકાતોની સિલસિલો શરૂ થશે. ૧૦ નવેમ્બરના રોજ SCO ના મંચ પર મુલાકાત અપેક્ષિત છે. જયારે ૧૭ નવેમ્બરની બ્રિકસ શિખરવાર્તા દરમિયાન બંને નેતાઓ આમને સામને જોવા મળશે. સૌથી છેલ્લે ૨૧થી ૨૨ નવેમ્બર સુધી ચાલનારી G20 Summit માં પણ ભારતીય પીએમ અને ચીની રાષ્ટ્રપતિનો આમનો સામનો થઈ શકે છે.

રશિયા બ્રિકસ અને SCO સમિટ દરમિયાન આયોજનની અધ્યક્ષતા કરશે. જયારે G-20 સમિટની શરૂઆત રિયાધ તરફથી કરાશે.

સરહદ પર તણાવ બાદ પહેલીવાર એવું બનશે કે બંને નેતાઓ સામ સામે જોવા મળશે. ૧૫ જૂનની ગલવાનની ઘટના બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. નોંધનીય છે કે ત્યારે દેશના ૨૦ જવાનો શહીદ થયા હતા પરંતુ ચીનને પણ મોટું નુકસાન થયું હતું. જો કે તેણે આજ સુધી ગલવાનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા છૂપાવી રાખી છે.

ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો થઈ છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ વખતે તમામ આયોજન વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરબે મહામારીને પહોંચી વળવા માટે સંયુકત રીતે જી૨૦ની સાથે કામ કરવાની જાહેરાત કરી હતી.

SCO, BRICS, અને G-20 ઉપરાંત આ મહિને ૧૩થી ૧૫ નવેમ્બર વચ્ચે આસિયાન વર્ચ્યુઅલ સમિટનું પણ આયોજન થશે. આ બાજુ SCOના સહયોગી દેશો ૩૦ નવેમ્બરના રોજ મુલાકાત કરશે. આસિયાનની અધ્યક્ષતા વિયેતનામ કરશે. જયારે SCOની મેજબાની ભારત દ્વારા કરાશે અને તેના પ્રોટોકોલ મુજબ પાકિસ્તાન અને ચીનને પણ આમંત્રણ અપાશે.

(10:11 am IST)