મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

ન્યૂઝિલેન્ડમાં ૬૫ ટકા લોકોનું ઇચ્છામૃત્યુની તરફેણમાં મતદાન

આવનારો કાયદો બે તબીબો મંજૂરી આપે તો ગંભીર રીતે પીડાઈ રહેલા દર્દીને ઇચ્છા મૃત્યુનો વિકલ્પ પસંદ કરવાની છૂટછાટ આપે છે

ઓકલેંડ,તા.૨ : ન્યૂઝીલેન્ડમાં ઇચ્છામૃત્યુને કાયદેસરનું રૂપ આપવાને મુદ્દે લોકમત લેવામાં આવ્યો અને હાલમાં મતગણતરી ચાલી રહી છે. સામે આવી રહેલા પરિણામોને દયા અને કરુણાની જીત બરોબર અંકાઈ રહ્યા છે. પ્રાથમિક પરિણામો કહે છે કે ૬૫.૨ ટકા મતદારોએ ઇચ્છામૃત્યુના વિકલ્પને કાયદેસરના જામા પહેરાવવાની તરફેણ કરી છે. ઇચ્છામૃત્યુ સંદર્ભમાં ઘડી કાઢવામાં આવેલો કાયદો અમલમાં મૂકવો કે કેમ તે સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારો કાયદો બે તબીબો મંજૂરી આપે તો ગંભીર રીતે પીડાઈ રહેલા દર્દીને ઇચ્છા મૃત્યુનો વિકલ્પ પસંદ કરવાની છૂટછાટ આપે છે.

 ઇચ્છામૃત્યુને સૌથી પહેલાં વર્ષ ૨૦૦૨માં નેધરલેન્ડે કાયદેસર ગણાવ્યું હતું, એ જ વર્ષે બેલ્જિયમમાં પણ તેને કાયદેસર જાહેર કરાયું હતું. ૨૦૦૮માં લકસમબર્ગ, ૨૦૧૫માં કોલંબિયા અને ૨૦૧૬માં કેનેડાએ પણ તેને કાયદેસર જાહેર કર્યું હતું. ઇચ્છામૃત્યુ તો અમેરિકાના પણ કેટલાય રાજયોમાં કાયદેસર છે અને સાથે જ ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા રાજયમાં પણ તે કાયદેસર છે.

 એ ઉપરાંત કેટલાક દેશોમાં મદદ માટે આત્મહત્યાની પણ અનુમતિ છે, જેમાં દર્દી પોતે જ કોઈ ઘાતક દવાનું સેવન કરી મૃત્યુ નોંતરે, કોઈ મેડિકલ કર્મચારી કે કોઈ ત્રીજો પક્ષ તેને મદદ કરતો નથી. યૂથેનેશિયા અંગે પોર્ટુગલની સંસદમાં પણ ચર્ચા ચાલી રહી છે, જો કે આ અઠવાડિયે જનમત સંગ્રહ કરવાની માગણી ગયા અઠવાડિયે સંસદે ફગાવી દીધી હતી. આ મહિને નેધરલેન્ડમાં ૧૨ વર્ષથી ઓછી વયના બાળકોને પણ ઇચ્છામૃત્યુનો અધિકાર અપાયો છે. અત્યાર સુધી ત્યાં સગીરોના મામલે ૧૨ વર્ષથી વધુ વયના બાળકો કે પછી માતા-પિતાની સહમતીથી નવજાત શિશુને પણ યૂથેનેસિયાનો અધિકાર હતો.

(10:09 am IST)