મુખ્ય સમાચાર
News of Saturday, 2nd November 2019

'મહા' ગુજરાત આવતા - આવતા નબળુ પડી જશે

હવામાનના વિવિધ ખાનગી મોડલોમાં મતમતાંતર : તમામ બંદરો ઉપર બે નંબરના સિગ્નલ : તા. ૬-૭ નવેમ્બરે દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થશે : જો કે આ વાવાઝોડુ ગુજરાત ઉપર આવશે ત્યારે નબળુ પડી હવાના હળવા દબાણ સ્વરૂપે ફેરવાઈ જશે : છુટાછવાયા સ્થળોએ વરસાદનો દોર જારી રહેશે : દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ અસર કરશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨ :  'મહા' નામનું વાવાઝોડુ ધસમસી રહ્યુ છે. હાલ તો ઓમાન તરફ ગતિ કરી રહ્યુ છે પરંતુ આ વાવાઝોડુ ટર્ન કરી ગુજરાત તરફ આવશે તેવો અનુમાન છે. જો આ વાવાઝોડુ ગુજરાત ઉપર આવે તો પણ નબળુ પડી જશે. હાલના ફોરકાસ્ટ મોડલોમાં જણાવ્યા મુજબ 'મહા' વાવાઝોડુ નબળુ પડી અને હવાના હળવા દબાણ સ્વરૂપે ફેરવાઈ અને દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરશે. જો કે તેની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શકયતા છે. ખાસ કરીને વેરાવળ,  સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે.

હવામાન ખાતુ કહે છે કે વેધર મોડલોમાં વાવાઝોડાની અલગ - અલગ દિશા જોવા મળી રહી છે. એનડબલ્યુ મોડલ જણાવે છે કે 'મહા' વાવાઝોડુ નબળુ પડી હવાના હળવા દબાણ સ્વરૂપે ફેરવાઈ અને તા.૬-૭ નવેમ્બરના દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. હાલમાં વેરાવળથી ૫૭૦ કિ.મી. અને ગોવાથી ૩૫૦ કિ.મી. દૂર છે.

'મહા' વાવાઝોડુ હાલમાં તો ઓમાન તરફ ગતિ કરી રહ્યુ છે. જે અડધે રસ્તેથી ગુજરાત તરફ ટર્ન મારશે. આવુ ભાગ્યે જ જોવા મળતુ હોય છે. સામાન્ય રીતે વાવાઝોડાની ગતિ એક જ  દિશામાં જતી હોય છે.

જો કે આ વાવાઝોડુ ગુજરાત આવતા આવતા ભલે નબળુ પડી જાય પરંતુ તેની અસરથી વરસાદ પડશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળ, સોમનાથ, પોરબંદર, જામનગરમાં વધુ સંભાવના રહેલી છે. વાવાઝોડાની અસર સ્વરૂપે દરિયાકાંઠે બે નંબરના સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે.

(10:20 am IST)