કોંગ્રેસના સેક્રેટરી પદ પરથી પ્રિયા દત્તને હટાવાયાં
નવી દિલ્હી તા.૨: કોંગ્રેસનાં નેતા અને ભુતપુર્વ સંસદસભ્ય પ્રિયા દત્તને લોકસભાની ઉમેદવારી આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમને બહુ મોટો ઝટકો આપવામાં આવ્યો છે. પ્રિયા દત્તને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરીપદ પરથી હટાવી લેવામાં આવ્યાં છે.
કોંગ્રેસના સિનીયર નેતા અશોક ગેહલોતે ૨૬ સપ્ટેમ્બરે પ્રિયા દત્તને મોકલેલા પત્રમાં આ વાત જણાવવામાં આવી છે. આ પત્રમાં સચિવ તરીકે પ્રિયા દત્ત દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા પણ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવશ્યકતા જણાશે તો પક્ષની જવાબદારી સોંપવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે.
૨૬ સપ્ટેમ્બરે આ પત્ર મોકલવામાં આવ્યો હતો એ ગઇ કાલે બહાર આવ્યો હતો, પરંતુ આ પત્ર જાહેર થયો એના આગલે દિવસે એટલે કે રવિવારે મુંબઇ પ્રદેશ કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ સંજય નિરૂપમે ઉત્તર મધ્ય મતદારસંઘમાંથી ફરી પ્રિયા દત્તને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.(૧.૩)