મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd October 2018

"મિસિસ યુનિવર્સ 2018": ફિલિપાઇન્સમાં ડિસેમ્બર માસમાં યોજાનારી સૌંદર્ય સ્પર્ધામાં યુ.કે.નું પ્રતિનિધિત્વ ભારતીય મૂળની મહિલા સુશ્રી ડિમ્પલ સાંઘાણી કરશે

લંડન : ફિલિપાઇન્સમાં ડિસેમ્બર માસમાં મિસિસ યુનિવર્સ 2018 સ્પર્ધા યોજાશે જેમાં 80 દેશોની મહિલાઓ પ્રતિનિધિત્વ કરવાની છે.જે અંતર્ગત યુ.કે.નું પ્રતિનિધિત્વ કરવા માટે ભારતીય મૂળની મહિલા સુશ્રી ડિમ્પલ સાંઘાણીની પસંદગી થઇ છે. ડિમ્પલ મૂળ હૈદરાબાદની છે અને તે પતિ જીત સાંઘાણી જેઓ મૂળ માધાપુર, કચ્છના છે તેઓની સાથે લગ્ન બાદ લંડનમાં સ્થાયી થઇ હતી. ડિમ્પલે કોમર્સમાં ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી છે.તેમણે 2000માં મિસ કન્ટ્રી ક્લબ અને મિસ હૈદરાબાદનો ખિતાબ મેળવેલો છે.  ભારતમાં તેમણે હેર સ્ટાઈલીસ્ટ તરીકે કામગીરીનો અનુભવ લીધો હતો.બાદમાં પતિ સાથે યુ.કે.માં સ્થાયી થતા બાર્નેટ કોલેજ ઓફ લંડનમાં ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ કર્યો હતો.

   તેમના ક્લાયન્ટ લિસ્ટમાં અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ, શબાના આઝમી, રાજકુમાર રાવ યાદવ, લલિત દુબે, ગુલશન ગ્રોવર, અરમાન મલિક, રવિ બોપારા, સોનાલી કુલકર્ણી, શાન, કરણ વાણી, મીરા સ્યાલ અને ગુરૂદાસ માન ઉપરાંત અન્ય સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. હેરસ્ટાઇલિંગને વધુ એક ઉંચા સ્ટેજ પર પહોંચાડવા માટે ડિમ્પલે હાલમાં જ ટિયારા ઓર્ગેનિક હેર એન્ડ બ્યુટી સલૂનનું ઓપનિંગ કર્યુ છે. જેમાં તે જાતે જ ડેવલપ કરેલા અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સથી ટ્રીટમેન્ટ્સ આપશે.

(12:36 pm IST)