મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

આસામ - મિઝોરમનો વિવાદ ઉકેલવા કેન્દ્ર સરકારે શોધ્યો રસ્તો : સેટેલાઇટ તસ્વીરોની મદદ લેવાશે

તસ્વીરો દ્વારા સીમાઓ નક્કી કરી આ રાજ્યો વચ્ચે વારંવાર થતાં વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરાશે

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે આસામ-મિઝોરમ સરહદી વિવાદના ઉકેલ માટે સેટેલાઈટ તસ્વીરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. આ તસ્વીરો દ્વારા સીમાઓ નક્કી કરી આ રાજ્યો વચ્ચે વારંવાર થતાં વિવાદનો અંત લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉત્તર-પૂર્વીય રાજ્યો આસામ અને મિઝોરમ વચ્ચે વારંવાર ઉભો થતો સરહદી વિવાદ કેટલીકવાર હિંસક સ્વરૂપ પણ ધારણ કરી લે છે. તાજેતરમાં જ આસામ અને મિઝોરમ વચ્ચે આ વિવાદ ફરીથી ઉભો થયો છે. જેમાં પાંચ પોલીસકર્મીઓ શહીદ થયા હતા.

આસામ અને મિઝોરમ વચ્ચે થયેલા હિંસક સરહદી વિવાદ બાદ કેન્દ્ર સરકારે ઉત્તર પૂર્વીય રાજ્યોના આંતર-રાજ્ય સરહદ વિવાદનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકાર ઉપગ્રહની તસવીરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના બે વરિષ્ઠ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ કાર્ય માટે નોર્થ ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર (NESAC)ની પસંદગી કરવામાં આવી છે કે જે અંતરિક્ષ વિભાગ અને નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલનું સંયુક્ત સાહસ છે. NESAC સ્પેસ ટેકનોલોજીની મદદથી ઉત્તર પૂર્વીય પ્રદેશોના વિકાસને વેગ આપવાનું કાર્ય કરે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 26 જુલાઈના આસામ અને મિઝોરમ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં આસામ પોલીસના પાંચ જવાનો અને એક નાગરિક શહીદ થયા હતા. આ ઉપરાંત 50 જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. ગત સોમવારે મિઝોરમ પોલીસ કર્મચારીઓએ આસામ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ બાદ આંતર-રાજ્ય સરહદ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે

(11:53 pm IST)