મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

ભારતમાં સરેરાશ ત્રણમાંથી એક કમ્પ્યુટર ઉપર હેકિંગનો ખતરો : અવાસ્ટના અહેવાલમાં ચિંતા

ભારતીય કમ્પ્યુટર યુઝર્સ ઉપર કોરોનાકાળમાં ૨૮ ટકા સુધી હેકિંગનો ખતરો વધી ગયો

નવી દિલ્હી : સાઈબર સિક્યુરિટી ફર્મ અવાસ્ટના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારતમાં સરેરાશ ત્રણમાંથી એક કમ્પ્યુટર ઉપર હેકિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોરોના મહામારીમાં હેકર્સે તરખાટ મચાવ્યો હોવાથી દરેક ભારતીય યુઝર્સ પર ખતરાનું પ્રમાણ ૨૮ ટકા સુધી વધી ગયું છે.
અવાસ્ટના ગ્લોબલ પીસી રિસ્કના અહેવાલમાં દાવો થયો હતો કે દરેક ભારતીય કમ્પ્યુટર યુઝર્સ ઉપર હેકિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. સરેરાશ ત્રણમાંથી એક પીસી હેકર્સની નજરમાં છે અને ગમે ત્યારે હેક થઈ શકે છે. અહેવાલનું માનીએ તો દરેક ભારતીય કમ્પ્યુટર યુઝર્સ ઉપર કોરોનાકાળમાં ૨૮ ટકા સુધી હેકિંગનો ખતરો વધી ગયો છે.
એન્ટી વાયરસ સોફ્ટવેર હોવા છતાં પીસી સલામત નથી. હેકર્સ એન્ટી વાયરસ સોફ્ટવેરનો પણ તોડ કાઢી લે છે. હેકર્સ દ્વારા હેકિંગ માટે જે લેટેસ્ટ ટેકનિક વપરાય છે તે એન્ટી વાયરસને બાયપાસ કરીને કમ્પ્યુટર્સમાં ઘૂસી જાય છે.
વિશ્વમાં કમ્પ્યુટર ઉપર હેકિંગનો જે ખતરો છે તેનાથી ભારતમાં ૫.૭૮ ટકા વધારે છે. અહેવાલ પ્રમાણે મધ્યપૂર્વ એશિયા, આફ્રિકા અને પૂર્વ યુરોપમાં હેકર્સ વધારે ટાર્ગેટ કરે છે. અવાસ્ટના ડિરેક્ટરના કહેવા પ્રમાણે કોરોનાકાળમાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ મોટા ભાગના લોકો પસંદ કરતા થયા છે, પરંતુ વિકસિત દેશોની સરખામણીએ ઉભરતા દેશો પાસે કમ્પ્યુટર્સની સુરક્ષાની ખાસ ટેકનિક વિકસી નથી. તેના કારણે હેકર્સ પણ આ સમયગાળામાં વધુ સક્રિય બની ગયા છે.
શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત સાવધાન થઈ જવાની સલાહ અવાસ્ટના અહેવાલમાં અપાઈ હતી. ભારતમાં એન્ટી વાયરસ બાબતે ખાસ જાગૃતિ લાવવા ઉપર પણ ભાર મૂકાયો હતો.

(11:05 pm IST)