મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

ડ્રાયવરને માર મારનારી યુવતી સામે પગલાંની માગ

રસ્તા વચ્ચે કેબના ડ્રાયવરને મારતો વીડિયો સામે આવ્યો : રસ્તો ક્રોસ કરતી યુવતીએ કેબના ડ્રાયવરને ગાડીમાંથી ઊતારીને લાફા ઝિંકી દીધા હતા અને પોલીસ જોતી રહી

 

લખનૌ, તા. : યુપીની રાજધાની લખનૌમાં એક યુવતીનો ટ્રાફિક પોલીસકર્મીઓની સામે રોડની વચ્ચે એક કેબ ડ્રાઈવરને માર મારતો વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં છોકરી કેબ ડ્રાઈવરને માર મારતી જોવા મળી રહી છે. જો કે પોલીસ હવે કેસમાં તપાસની વાત કરી રહી છે, પરંતુ તેની કાર્યવાહી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર યુવતીની ધરપકડ કરવાની માંગ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવતી ચાલતા વાહનો વચ્ચે રોડ ક્રોસ કરતી જોવા મળી રહી છે.

એક યુવતીએ શુક્રવારે રાત્રે એક કેબ ડ્રાઈવર પર અકસ્માતનો આરોપ લગાવતા માર માર્યો હતો. રોડની વચ્ચે યુવતીએ ડ્રાઈવરને ઘણી વખત થપ્પડ મારી અને ફોન છીનવી લીધો અને તેને તોડી નાંખ્યો. જ્યારે એક યુવક ડ્રાઈવરની મદદ માટે આગળ આવ્યો તો યુવતી તેની સાથે પણ ઝઘડવા લાગી. ત્યાં હાજર અન્ય લોકો ઘટનાનો વિડીયો બનાવતા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દરમિયાન ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જોતજોતામાં ખૂબ વાયરલ થઈ ગયો છે.

વજીરગંજના રહેવાસી ઇનાયત અલીએ જણાવ્યું કે તેનો નાનો ભાઈ સહાદત અલી ઉબેર કાર ચલાવે છે. સહાદત શુક્રવારે રાત્રે સરોજનીનગર વિસ્તારમાં સવારી ઉતારીને ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યારે રેડ સિગ્નલ થતાં તે કૃષ્ણનગરના અવધ ચોકડી પર રોકાઈ ગયો હતો. દરમિયાન પાછળથી આવેલી એક યુવતીએ કારને યોગ્ય રીતે ચલાવવી જોઈએ તેમ કહીને બૂમો પાડવા માંડી હતી. આરોપ છે કે યુવતીએ ફોન છીનવીને તોડી નાખ્યો હતો અને કોલર પકડીને સહાદતને કારમાંથી નીચે ઉતાર્યો હતો. દરમિયાન  યુવતીએ સહાદતને લાફા માર્યા હતા. કેસમાં અવધ ચાર રસ્તા પર લગાવેલા સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં યુવતી ચાલતા વાહનોની વચ્ચે રોડ ક્રોસ કરતી જોવા મળી રહી છે. યુવતી ગ્રીન સિગ્નલની વચ્ચે ઝેબ્રા ક્રોસિંગ પર ચાલતી જોવા મળે છે, ત્યારે અચાનક કેબ ડ્રાઈવર બ્રેક લગાવીને વાહનને રોકતો જોવા મળે છે. ત્યારબાદ યુવતી કેબ ડ્રાઈવરને મારવાનું રૂ કરે છે. વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે યુવતીએ ડ્રાઈવરને માર માર્યો ત્યારે બે ટ્રાફિક પોલીસકર્મીઓ ત્યાં ડ્યૂટી પર હતા.

પોલીસકર્મીઓએ રસ્તાની વચ્ચો વચ્ચ થઈ રહેલા ઝઘડાને રોકવાને બદલે મૌન ઉભા રહ્યા. ઇનાયતે કહ્યું કે જ્યારે રાત્રે સહાદતે ફોન રિસીવ ના કર્યો ત્યારે તેણે ઉબેર કારને ઓનલાઇન ટ્રેસ કરી હતી. દરમિયાન તેનું લોકેશન પોલીસ સ્ટેશનમાં મળતાની સાથે ભાઈ દાઉદ સાથે કૃષ્ણનગર પહોંચ્યો. આરોપ છે કે ત્યાં હાજર પોલીસકર્મીઓએ યોગ્ય રીતે વાત કરવાનો આરોપ લગાવતા તેમની પણ અટકાયત કરી હતી. શનિવારે પોલીસે ત્રણેય ભાઇઓને દંડ ફટકાર્યો હતો.

 આરોપ છે કે જ્યારે તે શનિવારે સાંજે કાર છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે એસઆઈ હિરેન્દ્ર સિંહે હજાર રૂપિયાની માગણી કરી હતી. જો કે, પાંચ હજાર રૂપિયા આપ્યા બાદ કાર પાછી મળી હતી.

(7:26 pm IST)