મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

NSEએ આઈપીઓ લાવવાની યોજના ઘડી

સેબી પાસે માગ્યું એનઓસી

મુંબઈ, તા. ૨ :. નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ) ફરી એકવાર આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યુ છે. દેશના સૌથી મોટા સ્ટોક એકસચેન્જે આ અંગે સેબીને પત્ર લખીને પૂછયું છે કે શું તે ફરી એકવાર આઈપીઓ લાવવા માટેના દસ્તાવેજો જમા કરાવી શકે છે. એનએસઈએ આ પગલું શેરધારકોના વધતા દબાણને ધ્યાનમાં રાખીને લીધુ છે. કંપનીના કેટલાય રોકાણકારો એક દાયકાથી પણ વધારે સમયથી પોતાનો હિસ્સો વેચવાની રાહ જોઈ રહ્યા છે.

એકસચેન્જે પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે તેણે સેબીને આઈપીઓ લાવવા અને તેની ડીટેઈલ્સ જમા કરાવવા માટે એનઓસીની માંગણી કરી છે.

સૂત્રોએ કહ્યું કે સેબીએ હજુ એકસચેન્જને લીલીઝંડી નથી આપી. આ બાબતે માહિતી ધરાવતા લોકો અનુસાર, એકસચેન્જના મોટા શેરધારકો ઈચ્છે છે કે સેબી અને એનએસઈ લીસ્ટીંગ પ્રક્રિયામાં ઝડપ લાવે. તેમણે ઘણીવાર એનએસઈ મેનેજમેન્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.

એનએસઈના વિદેશી શેરધારકોનું પ્રતિનિધીત્વ કરતા એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે કહ્યું કે અમારા માટે ખરેખર ઘણો સમય થઈ ગયો છે. સેબી દ્વારા જાહેર કરાયેલ નિયમોનું પાલન કરાયું છે. આ આઈપીઓમાં હવે કોઈ અડચણ ના આવવી જોઈએ.

(11:49 am IST)