મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

૨૦૧૭ થી ૨૦૧૯ દરમ્યાન ૨૪,૦૦૦થી વધુ બાળકોએ કરી આત્મહત્યા : પરીક્ષા -પ્રેમ સંબંધ હતુ મુખ્ય કારણ

૨૦૧૭માં ૧૪ થી ૧૮ વર્ષની વયના ૮૦૨૯ બાળકોએ આપઘાત કર્યો : ૨૦૧૮માં વધી ૮૧૬૨ : ૨૦૧૯માં ૮૩૭૭

નવી દિલ્હી,તા.૨: બદલાતાં સમય સાથે દેશમાં બાળકો દ્વારા આપઘાતના કેસોનું પ્રમાણ પણ ભયાનક રીતે વધી રહ્યું છે. સરકારે હાલમાં જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ૨૦૧૭થી ૨૦૧૯ની વચ્ચે ૧૪-૧૮ વર્ષની ઉંમર ધરાવતાં ૨૪ હજારથી વધુ બાળકોએ જીવન ટૂંકાવી દીધું છે. આ પૈકી ૪ હજારથી વધુ બાળકો એવા છે જેમણે પરીક્ષામાં નાપાસ થવાના લીધે આ ગંભીર પગલું લીધુ છે. સંસદમાં એનસીઆરબીએ રજૂ કરેલા અહેવાલમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

NCRBના રિપોર્ટ મુજબ ૧૪થી૧૮ વર્ષની ઉંમરના ૨૪,૫૬૮ બાળકોએ ૨૦૧૭-૧૯ દરમિયાન આપઘાત જેવુ ગંભીર પગલુ ઉઠાવ્યું છે. આ બાળકોમાં ૧૩,૩૨૫ છોકરીઓ સામેલ છે. વર્ષના હિસાબથી જોઇએ તો ૨૦૧૭માં ઓછામાં ઓછા ૮૦૨૯ બાળકોએ જીવન ટૂંકાવ્યુ હતું, આ આંકડો ૨૦૧૯માં વધીને ૮૧૬૨ થયો જયારે ૨૦૧૯માં વધીને ૮૩૭૭ સુધી પહોંચી ગયો હતો.

રિપોર્ટ અનુસાર, ૧૪-૧૮ વર્ષની ઉંમરના બાળકોમાં આપઘાતનું પ્રમાણ મધ્ય પ્રદેશમાં સૌથી વધારે છે જયાં ૩૧૧૫ બાળકોએ આ પગલું ભરી જીવનનો અંત આણ્યો. મધ્ય પ્રદેશ પછી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૨૮૦૨, મહારાષ્ટ્રમાં ૨૫૨૭ અને તમિલનાડૂમાં ૨૦૩૫ બાળકોએ આપઘાત કરવાના ગંભીર પગલા લીધા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ૪૦૪૬ બાળકોએ પરીક્ષામાં નાપાસ થવાને લીધે જયારે ૬૩૯ બાળકોએ લગ્ન સંબંધી મુદ્દાઓને લીધે આપઘાત કરી લીધો છે, જેમાં ૪૧૧ છોકરીઓ સામેલ છે. આ સિવાય ૩૩૧૫ બાળકોએ પ્રેમ સંબંધને લીધે, ૨૫૬૭ બાળકોએ બીમારીને લીધે, ૮૧ બાળકોએ શારીરિક શોષણથી ત્રાસીને આપઘાત કરી લીધો છે.

આ સિવાય બાળકો દ્વારા આપઘાતના કારણોમાં પ્રિયજનની મોત, નશો, ગર્ભધારણ કરવું, સામાજિક બદનામીનો ડર, બેરોજગારી, ગરીબી જેવા દર્શાવવામાં આવ્યા છે. બાળકો માટે કામ કરતી સંસ્થા 'ક્રાઇ-ચાઇલ્ટ રાઇટ્સ એન્ડ યૂ'ની અધિકારીએ કોરોના મહામારીને લીધે પરિસ્થિતિ ખરાબ થયાની ચિંતા વ્યકત કરતાં અભ્યાસક્રમોમાં જીવન કૌશલ તાલીમને સામેલ કરવા અને આરોગ્યની સારસંભાળ અને કુશળતામાં માનસિક આરોગ્યને સામેલ કરવા પર જોર આપ્યું છે.

તેમનું કહેવુ છે કે નાના બાળકો આવેશમાં આવીને આપઘાત જેવા પગલા ઉઠાવે છે. તેમના આ ગંભીર નિર્ણય દુખ, ભ્રમ, ગુસ્સો, હેરાનગતિ કે મુશ્કેલીઓ સાથે જોડાયેલા હોય છે. કિશોરોમાં આપઘાતના કારણોમાં દબાણ, આત્મવિશ્વાસની કમી, સફળતા માટે પરિવારનું દબાણ વગેરે કારણો જવાબદાર રહે છે, જેમાં કેટલાક કિશોર તમામ સમસ્યાઓ સામે આપઘાતને ઉકેલ માની લે છે. 

(11:49 am IST)