મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

કોરોના કહેર : યુપી સરકારના પ્રધાન કમલરા વરુણનીનું અવસાન

૧૮ જુલાઈએ કોરોના પોઝિટિવ આવ્યા હતા : યુપીમાં કોરોનાના કારણે પ્રથમ મંત્રીનું મોત : કમલ રાની યોગી સરકારમાં ટેકનિકલ એજ્યુકેશન મિનિસ્ટર હતા

લખનૌ, તા. ૨ : ઉત્તર પ્રદેશની સરકારમાં રાજ્યમંત્રી કમલ રાની વરુણનું રવિવારે નિધન થઈ ગયું. ૧૮ જુલાઈએ તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેમની સારવાર યુપીની રાજધાની લખનઉની એસજીપીજીઆઈ હોસ્પિટલમાં ચાલી રહી હતી. રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઉત્તર પ્રદેશમાં કોઈ મંત્રીનું કોરોનાથી આ પહેલું મોત થયું છે. કમલ રાની વરુણ યોગી સરકારમાં ટેકનિકલ એજ્યુકેશન મિનિસ્ટર હતા. રાજ્યમંત્રી કમલ રાની વરુણની તબિયત ખરાબ થયા બાદ તેમનું સેમ્પલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. ૧૮ જુલાઈએ તેમની રિપોર્ટ આવી હતી. રિપોર્ટ આવ્યા બાદ તેમને એસજીપીજીઆઈમાં એડમિટ કરાવાયા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. યોગીએ કહ્યું, ઘણા દિવસોથી પ્રદેશની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. આજે સવારે તેમનું દુઃખદ નિધન થઈ ગયું. કમલ રાની વરુણનો જન્મ લખનઉમાં ૩ મે ૧૯૫૮માં થયો હતો. તેમના લગ્ન કાનપુરના રહેનારા કિશન લાલ વરુણ સાથે થયા હતા. કિશન લાલ એલઆઈસીમાં પ્રશાસનિક અધિકારી અને ઇજીજીના પ્રતિબદ્ધ સ્વયંસેવક હતા. કમલ રાનીએ ૧૯૭૭થી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાના રાજનીતિક કરિયરની શરૂઆત ઝૂંપડપટ્ટીથી કરી હતી. અહીં તેઓ સેવા ભારતી સેવા કેન્દ્રમાં બાળકોને ભણાવવા અને ગરીબ મહિલાઓને સિવણ કામ, ભરત-ગૂંથણની ટ્રેનિંગ આપતા હતા. ૧૯૮૯માં તેઓ કાનપુરના દ્વારિકાપુરી વોર્ડથી ભાજપની ટિકિટ પર કાઉન્સિલર બન્યા. ૧૯૯૫માં તેઓ બીજી વખત કાઉન્સિલરની ચૂંટણી જીત્યા. ભાજપે ૧૯૯૬માં તેમને ઘાટમપુર સંસદીય સીટ પરથી ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા. તેઓ ૧૯૯૮માં પણ આ જ સીટ પરથી ચૂંટણી જીત્યા. જોકે ૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ ૫૮૫ વોટથી હારી ગયા હતા.

(8:03 pm IST)