મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

લિપુલેખમાં ચીને ૧૦૦૦ સૈનિકો તૈનાત કરી દીધા

ભારતના અભિન્ન અંગ સમાન લિપુલેખ ફરી વિવાદમાં : લિપુલેખને લઈને પહેલાં નેપાળ વિવાદ કર્યો, હવે ચીને નજર દોડાવી : ભારતે પણ વિસ્તારમાં સેના વધારી દીધી

નવી દિલ્હી, તા.૧ : ભારતના અભિન્ન અંગ સમાન લિપુલેખ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે અને આ વખતે ત્યાં નેપાળ નહીં પરંતુ ચીન કેન્દ્ર છે. લદાખમાં ચીન દાવો કરી રહ્યું છે કે તેણે ત્યાંથી પોતાના સૈનિકો હટાવી દીધા છે પરંતુ લિપુલેખમાં ચીને એક હજાર સૈનિક ખડકી દીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

લિપુલેખ એક એવી જગ્યા છે,જે ભારત-નેપાળ અને ચીની સરહદને જોડે છે. એવા મીડિયા અહેવાલ આવી રહ્યા છે કે ચીને એક બટાલિયન એટલે કે ૧૦૦૦થી વધુ સૈનિકો લિપુલેખની પાસે તૈનાત કરી દીધા છે અને તેના જવાબમાં ભારતે પણ હજાર સૈનિકો પોતાની સરહદ પર ખડકી દીધા છે. ભારત અને ચીનની વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી લદાખની લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર તણાવ ચાલી રહ્યો છે. હજુ ત્યાં ચીની સૈનિકો તૈનાત હોવાની પુષ્ટિ થઈ રહી છે. ૧૫ જૂનને ચીની સૈન્યની તરફથી હુમલો કરાયો હતો, એવું છેલ્લા ૪૫ વર્ષમાં પહેલીવાર થયું હતું. આ હિંસામાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થઈ ગયા અને ચીનના ૪૦ જવાનો માર્યા ગયા અહેવાલ છે, પરંતુ ચીન આ વાત સ્વીકારવા તૈયાર નથી. ત્યારબાદ કમાન્ડર સ્તર પર ચીની અને ભારતીય સેનાઓની વચ્ચે કેટલીયે વાર વાતચીત થઈ, જેમાં બંને દેશો તરફથી સૈન્ય હટાવવાની સહમતી બની છે. ચીને દાવો કર્યો કે તેણે સરહદથી પોતાના સૈનિકો હટાવી દીધા છે, પરંતુ ભારતીય વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્યે આ વાતનું ખંડન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લિપુલેખ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની જગ્યા છે. કેમ કે અહીંય ભારત, ચીન અને નેપાળની સરહદ મળે છે.

(9:37 pm IST)