મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

કેસ ઘટતાં દિલ્હીમાં લોકોમાં કોરોનાનો ખૌફ ઓછો થયો

અનલોક-૩માં થાળે પડતું દેશના પાટનગરનું જનજીવન : ચટાકેદાર ખાવા માટે રસ્તાઓ પર હવે ભીડ જોવા મળે છે

નવી દિલ્હી, તા. : દિલ્હીમાં કોરોનાની બીમારીના કેસની સંખ્યા ઘટવા લાગી છે અને તેને કારણે લોકોમાં ડર ઓછો થઈ રહ્યો હોય તેમ દેખાય છે. અનલોકમાં જેમ જેમ વેપાર, રોજગાર ફરી ચાલુ થવા લાગ્યા છે તેમ તેમ દિલ્હીમાં ખાણી પીણીની દુકાનો, રેસ્ટોરામાં લોકોની લાઈન લાગવાનું ચાલુ થઈ ગયું છે. અત્યાર સુધી જે લોકો કોરોનાના સંક્રમણના ડરથી બહારનું ખાવાનું ટાળી રહ્યા હતા તેઓ હવે ફરી ધીરે ધીરે ચટાકેદાર ભોજનની લિજ્જત તરફ પાછા વળવા લાગ્યા છે. સ્ટ્રીટ ફુડ હોય કે પછી રેસ્ટોરા અને દુકાનો, ચાટથી લઈને મીઠાઈઓ સુધી બધી જાતના પકવાનોનો સ્વાદ લોકોને ફરી લલચાવવા લાગ્યો છે. આશરે ત્રણેક મહીનાના લાંબા લોકડાઉન બાદ દિલ્હીની લિજ્જત સામે લોકોની ધીરજનો બંધ હવે તૂટવા લાગ્યો છે.

 એક તરફ કોરોનાનો ડર પણ છે પરંતુ સ્વાદ અને લિજ્જતની સામે લોકો પોતાને રોકી પણ નથી શકતા. લોકોના કહેવા પ્રમાણે હવે કોરોનાનો ડર ઘટી ગયો છે. હવે નવા કેસની સંખ્યા ઓછી થઈ ગઈ છે માટે ડર થોડો ઘટ્યો છે. તે સિવાય અનેક લોકોનું એમ પણ કહેવું છે કે બહું લાંબો સમય રાહ જોઈ લીધી અને હવે બહારનું ખાઈ-પી શકીએ છીએ પરંતુ સાથે સાવધાની પણ રાખવામાં આવે છે.

ચાટ, સમોસા, પાણીપુરીની દુકાનો ખુલવાથી લોકો જેટલા ખુશ છે તેટલા વેપારીઓ પણ આનંદિત છે. જૂન મહીનાથી અનેક રેસ્ટોરા અને દુકાન વગેરે ખુલી ગયું હતું પરંતુ ગ્રાહકો કોરોનાના ડરથી બહાર કશું પણ ખાતા ડરી રહ્યા હતા. પરંતુ હવે મોટી સંખ્યામાં લોકો આવી દુકાનોએ પાછા આવી રહ્યા છે જેથી વેપારીઓને પણ રાહત મળી છે.

(7:50 pm IST)