મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

રાજસ્થાનમાં ગેમ પલટાઈ,

રાજસ્થાન ગેહલોત જૂથના ૧૧ ધારાસભ્યો 'ગુમ'

'ગુમ'થનારામાંથી ૬ મંત્રી અન ૫ ધારાસભ્ય છે

જયપુર,તા.૧ : રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના જૂથના ધારાસભ્યોને જયપુરથી જેસલમેર શિફ્ટ કરી દીધા. હવે, અહેવાલ મળી રહ્યા છે કે, આ શિફ્ટિંગ દરમિયાન ગેહલોત જૂથના ૧૧ ધારાસભ્યો 'ગુમ' થઈ ગયા છે. સૂત્રો મુજબ, ગેહલોત સરકારના ૬ મંત્રી અને ૫ ધારાસભ્ય હજુ સુધી જેસલમેર નથી પહોંચ્યા. તેને લઈને બજારમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સૂત્રો મુજબ જયપુરથી જેસલમેર ન પહોંચનારામાં પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, આરોગ્ય મંત્રી ડો. રઘુશર્મા, રમત-ગમત મંત્રી ચાંદના, કૃષિ મંત્રી લાલચન્દ કટારિયા, આરોગ્ય રાજયમંત્રી સુભાષ ગર્ગ, સહકારિતા મંત્રી ઉદયલાલ આંજના, ધારાસભ્ય જગદીશ જાંગિડ, ધારાસભ્ય અમિત ચાચાણ, ધારાસભ્ય પરસરામ મોરદિયા, ધારાસભ્ય બાબુલાલ બૈરવા અને ધારાસભ્ય બલવાન પૂનિયા સામેલ છે, જ હજુ સુધી જેસલમેર નથી પહોંચ્યા.

આ પહેલા ધારાસભ્યોના શિફ્ટિંગને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં સીએમ ગેહલોતે કહ્યું હતું કે, અમારા ધારાસભ્ય જે ઘણા દિવસોથી જયપુરમાં હતા, તેમને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હતા. તેમના પર અને તેમના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. બહારના દબાણને દૂર રાખવા માટે તેમને શિફ્ટ કરવા વિશે વિચારાયું અને પછી શિફ્ટિંગ કરાયું. સીએમએ કહ્યું કે, ડેમોક્રેસીને બચાવવાની દરેકની ફરજ છે.

દરમિયાનમાં ગેહલોત જૂથના ધારાસભ્યોનું શિફ્ટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રાજસ્થાન વિધાનસભા કોંગ્રેસના મુખ્ય વિપ મહેશ જોશીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. હકીકતમાં, મહેશ જોશીએ ૨૪ જુલાઈએ પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને ૧૮ અન્ય ધારાસભ્યોના પક્ષમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હાઈકોર્ટે સીપી જોશીની અયોગ્યતાની કાર્યવાહી સ્થગિત કરવાનો ચુકાદો આપ્યો છે.

ધારાસભ્યોના શિફ્ટિંગ પહેલા બસપાના ૬ ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલયને લઈને ગેહલોતે ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ભાજપે તેલુગુદેશમ પાર્ટીના ૪ સાંસદોને રાજયસભામાં રાતોરાત મર્જર કરાવી દીધા, તે મર્જર યોગ્ય છે તો રાજસ્થાનમાં ૬ ધારાસભ્યો કોંગ્રેસમાં આવ્યા તો મર્જર ખોટું કઈ રીતે છે? તો પછી ભાજપના ચાલ-ચલણ-ચરિત્ર કયાં ગયા? રાજસ્થાનમાં મર્જર છે, તો યોગ્ય છે અને અહીં મર્જર થાય, તો ખોટું છે?

(10:30 am IST)