મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

સોમવારથી અયોધ્યામાં લાખો દિવડા ઝળહળશે

હાઇએલર્ટ જાહેર : વડાપ્રધાનના પ્રવાસ માટે ઐતિહાસિક તૈયારી : ઓળખપત્ર સિવાઇ ચકલું પણ ફરકી નહિ શકે

અયોધ્યા તા. ૧ : અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાનના ઐતિહાસિક પ્રવાસને લઈને યુદ્ઘસ્તરની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત આવી રહેલા પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાકથી વધુ સમય સુધી રોકાઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સજાવટ પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. ધાર્મિક વાતાવરણ બનાવવા તૈયારી કરાઈ છે.

અયોધ્યાને જોડતા હાઈવે અને સડકો પર સુરક્ષા માટે બેરિકેડિંગ કરી દેવાયું છે. અયોધ્યામાં પ્રવેશનારા દરેક વાહન માટે ઓળખ પત્રની તપાસ અનિવાર્ય કરાઈ છે. તમામ સંવેદનશીલ સ્થળો, પાવર હાઉસ, ઈમારતો વગેરે પર ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવાઈ રહ્યા છે. જેના માટે સેન્ટ્રલાઈઝ કન્ટ્રોલ રૂમ બની રહ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાંથી અયોધ્યાના ખૂણે-ખૂણા પર નજર રખાશે.

આકાશી સુરક્ષા માટે પણ ઉપાય કરાઈ રહ્યા છે. નરેન્દ્રભાઇ હનુમાનગઢી અને સરયુ ઘાટ પર પણ જઈ શકે છે. આ બંને સ્થળોની સાથે જ નગરના મઠો-મંદિરોને પણ સજાવાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના એડીજી કાયદો વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે, પીએમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રખાઈ રહ્યું છે. અયોધ્યા જિલ્લા તંત્રએ જેટલી સંખ્યામાં ફોર્સ અને પોલિસ અધિકારી માગ્યા છે, આપી દેવાયા છે.

અયોધ્યામાં સાત ઝોન બનાવાયા છે, જેમાં હનુમાનગઢી અને સરયુ તટ ઝોન પણ સામેલ છે.

હનુમાનગઢી - સરયુ ઘાટની સામેના  મઠ - મંદિરોને સજાવવામાં આવી રહ્યા છે

.   સેન્ટ્રલાઇઝ કન્ટ્રોલ રૂમ દ્વારા અયોધ્યા નગરીના ખૂણેખૂણા ઉપર બાજ નજર : અયોધ્યા તરફ આવતા તમામ વાહનોનું કડક ચેકિંગ ચાલુ છે.

.   અયોધ્યામાં સોમવારે ૩ ઓગસ્ટથી જ ઘરોની બહાર લાખો દીવડા પ્રગટાવાશે.

.   દૂતાવાસોમાં પ્રસાદ તરીકે બીકાનેરી લાડુ મોકલાશે. ૧૬ લાખ લાડુના ચાર લાખ પેકેટ તૈયાર કરાયા છે.

.   પીએમ મોદીને ટ્રસ્ટ દ્વારા રામ અને લવ-કુશની પ્રતિમા ભેટમાં આપશે.

.        લાડુ વહેંચવા અને ભોજન માટે ભંડારા, લંગરની સ્થાપના કરી છે.

(10:21 am IST)