મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

બિલ ગેટ્સે ૪૮ વર્ષ જૂનો પોતાનો રિઝ્યુમ શેર કર્યો

આ રિઝ્યુમને જોઈને નોકરી શોધનારા પ્રેરણા મેળવે છે : બિલ ગેટ્સે પોતાના રિઝ્યુમમાં ઉલ્લેખ કર્યો છે કે, તેઓ તે સમયે હાર્વર્ડ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા

નવી દિલ્હી, તા.૨ ઃ નોકરી મેળવવા માટે રિઝ્યુમનું ખૂબ જ મહત્વ રહેલુ છે. ત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ રહેલા માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે પોતાનો ૪૮ વર્ષ જૂનો રિઝ્યુમ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તેમના આ રિઝ્યુમને જોઈને નોકરી શોધનાર લોકો પ્રેરણા મળવી રહ્યા છે.  બિલ ગેટ્સની સફળતાએ વિશ્વભરના લોકોને પ્રેરણા આપી છે. આવી સ્થિતિમાં હાલમાં પ્રેરણાદાયી વ્યક્તિનો રિઝ્યુમ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે શેર કરીને લખ્યું હતું કે, મને ખાતરી છે કે, આજના રિઝ્યુમ તેમના કરતા સારા હશે.

ગેટ્સ દ્વારા શેર કરાયેલા ૧૯૭૪ના રિઝ્યૂમમાં તેમનું નામ વિલિયમ એચ ગેટ્સ લખવામાં આવ્યું છે. બિલ ગેટ્સે પોતાના રિઝ્યુમમાં ઉલ્લેખ કર્યો છે કે, તેઓ તે સમયે હાર્વર્ડ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા. ગેટ્સે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, ડેટાબેઝ મેનેજમેન્ટ, કમ્પાઈલર કન્સ્ટ્રક્શન અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ જેવા કોર્સ કર્યા છે. રિઝ્યુમમાં લખ્યું છે કે, તેમણે  ફોર્ટરન, કોબોલ, એલજોલ, બેઝિસ વગેરે જેવી મુખ્ય પ્રોગ્રામિંગ ભાષાઓમાં અનુભવ ધરાવે છે. તેમણે ૧૯૭૩માં ટીઆરડબલ્યુ સિસ્ટમ્સ ગ્રૃપ સાથે સિસ્ટમ પ્રોગ્રામર તરીકેના તેમના અનુભવનો ઉલ્લેખ કર્યો હતો. બિલ ગેટ્સે ૧૯૭૨માં લેકસાઈડ સ્કૂલ, સિએટલ ખાતે કો-લીડર અને કો-પાર્ટનર તરીકેના પોતાના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના આ રિઝ્યુમને જોઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોને પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેમના રિઝ્યુમને જોઈને અનેક લોકોને નોકરી મેળવા માટે પણ પ્રેરણા મળી છે.

 

(8:38 pm IST)