મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચારમાં મૂસેવાલની તસવીરો જોવા મળી

પંજાબનો દિવંગત સિંગર ફરી ચર્ચામાં : તહરીક-એ-ઈન્સાફના હોર્ડિંગમાં સિદ્ધુ મુસેવાલાની તસવીર જોવા મળી, સાથે ૨૯૫ નંબર લખવામાં આવ્યો

ઈસ્લામાબાદ, તા.૨ ઃ પંજાબના પ્રસિદ્ધ ગાયક અને દિવંગત રાજનેતા સિદ્ધુ મૂઝવાલા ફરી એકવાર ચર્ચામાં જોવા મળ્યા છે. આ મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંત સાથે જોડાયેલો છે. અહીં આગામી ૧૭ જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે. આ દિવસોમાં પાકિસ્તાનમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના હોર્ડિંગમાં સિદ્ધુ મુસેવાલાની તસવીર જોવા મળી છે. તેમની તસવીર સાથે '૨૯૫' નંબર લખવામાં આવ્યો છે.  

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આગામી પેટાચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ લોકો વચ્ચે લોકપ્રિયતા મેળવવા માટે સિદ્ધુ મુસેવાલાનો ઉપયોગ કરી રહી છે. અહેવાલ અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુલ્તાન ક્ષેત્રમાં પીપી-૨૧૭ સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે.

મુસેવાલાની તસવીરનો ઉપયોગ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના હોર્ડિંગ્સ પર કરવામાં આવ્યો છે. આ હોર્ડિંગમાં પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીના પુત્ર જૈન કુરૈશીની તસવીર પણ છે.

અહેવાલમાં જણાવાયું છે કે, પાકિસ્તાનમાં જે ચૂંટણી પોસ્ટરો સામે આવ્યા છે તેમાં મુસેવાલાની તસવીર સાથે '૨૯૫' નંબર લખવામાં આવ્યો છે. જે ગાયકના લોકપ્રિય ગીતનો સંદર્ભ છે. આ ગીત ભારતીય દંડ સંહિતાની કલમ પર ટિપ્પણી છે જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

જ્યારે જૈન કુરૈશીને ચૂંટણીના હોર્ડિંગ પર મુસેવાલાની તસવીર અંગે પૂછવામાં આવ્યું તો તેમણે આ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, હું પોસ્ટર પર સિદ્ધુ મુસેવાલાની તસવીર છાપનાર તમામનો આભાર માનું છું. કારણ કે, આ પોસ્ટર તેમની તસવીરના કારણે ખૂબ જ વાયરલ થયું છે. અમારું આગાઉ કોઈ પોસ્ટર વાયરલ થયું નહોતું.

નોંધનીય છે કે, પંજાબના માનસા જિલ્લામાં ૨૯ મેના રોજ ૨૮ વર્ષના શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે  સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ફેબ્રુઆરીમાં કોંગ્રેસની ટિકિટ પર માનસાથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

 

(8:32 pm IST)