મુખ્ય સમાચાર
News of Friday, 2nd July 2021

રાજસ્થાનમાં એસીબીનો સપાટો

એન્જીનીયરનો પગાર દોઢ લાખ પણ ઘરેથી મળ્યું ૩૦ કિલો સોનુઃ મર્સિડીઝ સહિત પ કારઃ અખૂટ સંપત્તિ

આવક કરતાં ૧૪૫૦ ટકા વધુ સંપતિ

જયપુર, તા.૨: રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ભ્રષ્ટ અધિકારીઓ સામેની કાર્યવાહી ચાલુ જ છે. જયપુર, જોધપુર અને ચિતોડગઢમાં ત્રણ અધિકારીઓના ૧૪ સ્થાનો પર એક સાથે કાર્યવાહી કરાઇ રહી છે. જયપુરમાં જયપુર  વિકાસ ઓથોરીટી (જેડીઓ)ના એન્જીનીયર નિર્મલ ગોયલના ઘરેથી આવકથી ૧૪૫૦ ટકા વધારે સંપતિ મળી છે.

જણાવાઇ રહયું છે કે જેડીએના આ એન્જીનીયરનો પગાર દોઢ લાખ રૂપિયા છે, પણ જયપુરની પોશ કોલોનીમાં ચાર મકાન, ફાર્મહાઉસ ડોલર અને મર્સીડીઝ સહિતની ૫ મોંઘી કાર મળી છે. જયારે ત્રણ બેંકોમાં આ એન્જીનીયરના લોકર પણ છે, જે ખોલવાના બાકી છે.આવી જ રીતે ચિતોડગઢમાં જીલ્લા પરિવહન અધિકારી મનીષ શર્મા પાસે લગભગ ૨ કરોડના રોકાણના દસ્તાવેજો મળ્યા છે. તેના ફલેટમાં ૧ લાખ રૂપિયા રોકડા અને વિદેશ પ્રવાસના ડોકયુમેંટસ એસીબીએ જપ્ત કર્યા છે. તેને ત્યાંથી મોંઘી બાઇક અને ગાડીઓ ઝડપાઇ છે. તો જોધપુરમાં ઇન્સ્પેકટર પ્રદીપ શર્માના ઘર પર એસીબીએ દરોડો પાડીને જોધપુરમાં ભોપાલ અને બીકાનેરના ૪ સ્થળોએથી ૪ કરોડના રોકાણને પકડી પાડયું છે. આ સંપતિ તેની આવકથી ૩૩૩ ટકા વધારે છે. સૂરસાગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્સ્પેકટર પાસે જોધપુરમાં જમીન, ભોપાલગઢમાં ૧૦ વીઘા જમીન, સ્કુલ ઉપરાંત ત્રણ બસો મળી છે.ગયા અઠવાડીયે એસીબીએ જયપુરમાં લેબર કમિશનર પ્રતીક જાગડીયાને ત્રણ લાખની લાંચ લેતા ગીરફતાર કર્યો હતો. આ કાર્યવાહીમાં બે અન્ય લોકોને પણ એસીબીએ ઝડપી લીધા હતા. તો ભરતપુર પોલીસ અધિકારી સુરેન્દ્રસિંહને પણ દોઢ લાખની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરાઇ છે.

(11:45 am IST)