મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

મનીલોન્ડરિંગમાં ત્રીજી વાર કોંગ્રેસના નેતા અને સાંસદ અહેમદ પટેલની પુછપરછ

અગાઉ મંગળવાર અને શનિવારે પણ તપાસ કરી હતી : વડોદરાની ર્સ્ટલિંગ બાયોટેકના પ્રમોટર્સ દ્વારા ૧૪,૫૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડમાં પુછપરછ કરવામાં આવી

નવી દિલ્હી, તા. : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ(ઈડી) ગુરુવારે સતત ત્રીજા દિવસે કોંગ્રેસના નેતા અને સાંસદ અહેમદ પટેલની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડ સંદર્ભે પૂછતાછ ચાલી રહી છે. અહેમદ પટેલની તેમના દિલ્હીના ઘરે ગુરુવારે પૂછપરછ કરવામાં આવી રહી હતી. ઈડીના ત્રણ સભ્યોની ટીમ મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકે અહેમદ પટેલના મધ્ય દિલ્હીના લુટયન્સ સ્થિત ૨૩ મધર ટેરેસા ક્રેસન્ટ હોમ ખાતે પહોંચી હતી. અગાઉ શનિવારે પણ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાને ઈડીના અધિકારીઓએ સવાલ-જવાબ કર્યા હતા. મંગળવારે સવારે ઈડીના અધિકારીઓ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીને અહેમદ પટેલના ઘરે પહોંચ્યા હોવાનું જણાયું હતું.

          પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીને પગલે અહેમદ પટેલે કેન્દ્રની ગાઈડલાઈનને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ વરિષ્ઠ નાગરિક હોવાથી ઈડી કાર્યાલય પર આવી શકે તેમ નથી. ઈડી દ્વારા તેમને બે વખત પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ૨૭ જૂનના શનિવારે ઈડીએ કેસમાં અહેમદ પટેલની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી. અધિકારીઓના મતે વડોદરાની ર્સ્ટલિંગ બાયોટેકના પ્રમોટરો સાંડેસરા બંધુઓના મની લોન્ડરિંગ કેસમાં શનિવારે અહેમદ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષના ટ્રેઝરર છે અને તેઓ યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યા છે.

          તેઓ કોંગ્રેસમાં એક ટોચના નેતાનો હોદ્દો ધરાવે છે. વડોદરાની ર્સ્ટલિંગ બાયોટેકના પ્રમોટર્સ નીતિન જયંતિલાલ સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા અને દીપ્તી સાંડેસરાના ૧૪,૫૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડને લઈને પટેલની કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. કેસમાં સાંડસેરા પરિવારના તમામ ભાગેડુ છે અને નીતિન તેમજ ચેતન બન્ને ભાઈઓ છે.અહેમદ પટેલે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે સરકારી 'મહેમાનો' દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

(9:31 pm IST)