મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

કોરોના વાયરસ શરીરમાં ૧૪ દિવસ નહિ પણ ૨૮ દિવસ સુધી રહે છે : ટાસ્ક ફોર્સ

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીથી ૨૮ દિ' દુર રહેવું જોઇએ

મુંબઈ તા. ૨ : કોરોના વાયરસના અંગે રોજેરોજ નવી-નવી બાબતો સામે આવી રહી છે. હાલમાં જ કોવિડ ટાસ્ક ફોર્સના સક્રિય સભ્યએ સારવાર અંગેના નવા પ્રોટોકોલની વાત કરી છે. તેમના મતે કોરોના વાયરસના દર્દીઓનો હોસ્પિટલમાં રહેવાનો સમય અને દવાઓનો કોર્સ વધારવો જોઈએ. હોસ્પિટલના બિછાનેથી મીટિંગોમાં ભાગ લઈ રહેલા ટાસ્ક ફોર્સના આ સભ્યની સલાહ છે કે, કોરોનાના દર્દીઓની સંભાળ લાંબા સમય સુધી થવી જોઈએ કારણકે ઈન્ફેકશનની સાઈકલ ૨૮ દિવસમાં પૂરી થાય છે. અગાઉ માનવામાં આવતું હતું કે, કોરોના વાયરસ ૧૪ દિવસ સુધી શરીરમાં રહે છે પરંતુ ટાસ્ક ફોર્સના સભ્યના મતે આ સમયગાળો ૨૮ દિવસનો છે.

મહારાષ્ટ્ર સરકાર અને પસંદગી વરિષ્ઠ ડોકટરો સાથે નવા પ્રોટોકોલ વિશે વાત કરતાં ટાસ્ક ફોર્સે કહ્યું કે, લક્ષણો ના દેખાતા હોય તો ૧૦માં દિવસે દર્દીને રજા આપવાના નિયમને બદલવો જોઈએ. ટાસ્ક ફોર્સના તારણ અને હોસ્પિટલમાં દાખલ સભ્યના અનુભવના આધારે તેમણે જણાવ્યું કે, ઘણા કિસ્સાઓમાં દર્દીઓને ૧૪માં દિવસ પછી પણ સાયટકીન સ્ટોર્મનો અનુભવ થઈ શકે છે.

સાયટકીન સ્ટોર્મ માનવ શરીરની ઈમ્યૂન સિસ્ટમનું રિએકશન છે, જે કોઈ ઈન્ફેકશન કે કોઈ પ્રકારના ટ્રોમા સામે લડવા માટે એડીચોટીનું જોર લગાવી દે છે. ઈમ્યૂન સેલ્સ ચેપગ્રસ્ત થયેલા શરીરના ભાગ કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાય છે અને હેલ્ધી ટિશ્યૂને નુકસાન પહોંચાડે છે. ટાસ્ક ફોર્સના હેડ ડો. સંજય ઓકે સૂચન આપ્યું કે, Remdesivir નામની દવા સ્વેબ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી તરત જ આપવાની શરૂ કરી દેવી જોઈએ. આ દવા પાંચ નહીં ૧૦ દિવસ સુધી દર્દીઓને આપવી જોઈએ. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓને પાંચ દિવસ આ દવા અપાય છે.

દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની બાબતે સલાહ-સૂચન આપવા ઉપરાંત ટાસ્ક ફોર્સે ૬ મિનિટનો વોક-ટેસ્ટ લેવાની પણ સલાહ આપી. ટાસ્ક ફોર્સ પ્રમાણે, 'અવાજમાં નોંધપાત્ર ફેરફાર, રૃંધાયેલો અવાજ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો દર્દીને ડિસ્ચાર્જ ના કરવો જોઈએ. દર્દીઓને ડિસ્ચાર્જ આપતા પહેલા કાર્ડિયાક એન્ઝાયમ્સ ટેસ્ટ, ECG, 2D ECO જેવા ટેસ્ટ કરવા જોઈએ અને તેના રિપોર્ટનું દસ્તાવેજીકરણ કરવું જોઈએ.'

ટાસ્ક ફોર્સના પત્રમાં ડિસ્ચાર્જ થયા બાદ મોતને ભેટતા લોકો માટે પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ૨ ટકા જેટલા કોરોનાના દર્દીઓનું ડિસ્ચાર્જ થયા પછી મોત થાય છે. ત્યારે ટાસ્ક ફોર્સે સૂચન કર્યું છે કે, દર્દીઓને ડિસ્ચાર્જ આપ્યા પછી બે અઠવાડિયા સુધી ફોલોઅપ લેતા રહેવું જોઈએ. પ્લાઝમા થેરપી વિશે ટાસ્ક ફોર્સે કહ્યું, ‘Remdesivir સાથે મળીને પ્રારંભિક તબક્કામાં તે અસરકારક નીવડે છે. આ એકિટવ એન્ટી-વાયરલ ડ્રગ અને પેસિવ ન્યૂટ્રલાઈઝિંગ એન્ટીબોડીનું કોમ્બિનેશન છે.' કોરોના સંક્રમણની ગંભીરતાને જોતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓથી ઓછામાં ઓછા ૨૮ દિવસ દૂર રહેવું જોઈએ. સાથે જ ડોકટરે આપેલી સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

(3:56 pm IST)