મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

રેલ્વે ખાનગીકરણ ભણીઃ દેશમાં દોડશે પ્રાઇવેટ ટ્રેનો

રેલ્વે મંત્રાલયે ૧૦૯ રૂટો પર ૧૫૧ આધુનિક યાત્રી ટ્રેનો દોડવવા ખાનગી કંપનીઓ પાસે અરજીઓ માંગીઃ આવી ટ્રેનોમાં હશે ૧૬ કોચઃ સ્પીડ રહેશે ૧૬૦ કિમી પ્રતિ કલાકઃ ૩૦,૦૦૦ કરોડનું પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ થશે

નવી દિલ્હી,તા.૨: રેલ્વેનું ખાનગીકરણ થઇ રહ્યું હોવાના પાક્કા સંકેત મળ્યા છે. રેલ્વે એ યાત્રીઓ માટે રેલ્વે વ્યવસ્થાઓના ખાનગીકરણની પ્રક્રિયામાં એક મોટુ પગલુ લેતા ૧૦૯ રેલ્વે રૂટ પર ૧૫૧ પ્રાઇવેટ ટ્રેનો દોડવવા માટે અરજીઓ માંગી છે. રેલ્વે એ ભારતની સૌથી સસ્તી યાત્રા (પેસેન્જર ટ્રેન)ને પ્રાઇવેટ કંપનીઓના હવાલે કરવાનો નિર્ણય લીધો છે. આધુનિક ટેકનોલોજીવાળી ટ્રેનો હશે. જેમાં યાત્રાનો સમય ઘટશે. રોજગાર વધશે, યાત્રી સુરક્ષા વધશે અને યાત્રીને વર્લ્ડ કલાસ સુવિધાઓ મળશે.

કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં યાત્રી ટ્રેનોના સંચાલનની યોજના બનાવી રહી છે. આ માટે રેલ મંત્રાલયે ખાનગી ક્ષેત્રની કંપનીઓને યાત્રી ટ્રેનોના સંચાલન માટે રિકવેસ્ટ ફોર કવોલિફિકેશન (RFQ)માંગ્યું છે. રેલ મંત્રાલયના મતે દેશભરમાં રેલવે નેટવર્કને ૧૨ કલસ્ટરમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં ૧૦૯ જોડી પ્રાઇવેટ ટ્રેનો ચલાવવામાં આવશે. આ પરિયોજનામાં લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ખાનગી ક્ષેત્રના રોકાણ થશે. આ ભારતીય રેલવે નેટવર્ક પર પેસેન્જર ટ્રેનોને ચલાવવા માટે ખાનગી નિવેશની પહેલ છે.

સરકારી નોટિફિકેશનના મતે આ પહેલનો ઉદ્દેશ્ય મોર્ડન ટેકનોલોજી રોલિંગ સ્ટોકને રેલવે નેટવર્કમાં રજુ કરવાની સાથે ઓછો ખર્ચ, વધારે ઝડપ, રોજગારમાં વધારો, વધારે સુરક્ષા આપવી, યાત્રીઓને વિશ્વસ્તરીય યાત્રાનો અનુભવ કરાવવાનો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક ખાનગી ટ્રેનમાં ઓછામાં ઓછા ૧૬ ડબ્બા રહેશે. આ ટ્રેન વધારેમાં વધારે ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. આ ટ્રેનોનો રોલિંગ સ્ટોક ખાનગી કંપની ખરીદશે, મેઇન્ટનેસની જવાબદારી તે કંપનીની રહેશે. મોટાભાગની ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં બનાવવામાં આવશે.

ખાનગી ક્ષેત્ર માટે આ પરિયોજનાનો સમય ગાળો ૩૫ વર્ષનો રહેશે. ખાનગી કંપની તરફથી ચલાવવામાં આવનાર ગાડીઓના પ્રદર્શનનું આકલન સમયની પાબંદી, વિશ્વસનિયતા, રેલગાડીઓના મેઇન્ટનેસના આધાર પર થશે. ખાનગી ક્ષેત્ર તરફથી સંચાલિત ટ્રેનો માટે ભારતીય રેલવે ફકત ડ્રાઇવર અને ગાર્ડ ઉપલબ્ધ કરાવશે.

(11:10 am IST)