મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

વાવાઝોડુ 'નિસર્ગ' કાલે સાંજે કે મોડી રાત્રે ઉત્તર મહારાષ્ટ્રના રાયગઢ અને દમણના દરિયામાં હિટ કરશે

ભાવનગર, અમરેલી, નવસારી, સુરત સહિત દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ જારી કરાયાઃ કાલે બપોર બાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અસર દેખાવા લાગશે : અમુક સ્થળોએ ભારે વરસાદ પડશે

રાજકોટ, તા. ૨ : સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર ધસમસતુ વાવાઝોડુ આવી રહ્યુ છે. 'નિસર્ગ' નામનું આ વાવાઝોડુ આવતીકાલે સાંજે અથવા મોડી રાત્રે ઉત્તર મહારાષ્ટ્રના રાયગઢ અને દક્ષિણ ગુજરાતના દમણના દરિયામાંથી પસાર થશે. આ સિસ્ટમ્સની અસર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવતીકાલ બપોરથી જ દેખાવા લાગશે. ઉકત દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ સમયે ૯૦ થી ૧૧૦ કિ.મી.ની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. ગુજરાત ઉપર વાવાઝોડુ આવી રહ્યુ હોય તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગામોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે તો દરિયાકાંઠાની સાવ નજીકના ગામોને ખાલી કરી દેવામાં આવ્યાનું જાણવા મળે છે.

હવામાન ખાતાએ જણાવ્યુ છે કે વાવાઝોડાવાળી સિસ્ટમ્સ સુરતથી ૮૫૦ કિ.મી. દૂર છે અને ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. જે આજ સાંજ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. વાવાઝોડુ ઉદ્દભવ્યા બાદ આવતીકાલે સાંજે અથવા મોડી રાત્રે ઉત્તર મહારાષ્ટ્રના રાયગઢ અને દક્ષિણ ગુજરાતના દમણના દરિયામાંથી પસાર થશે. આ સમયે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાશે. સાથોસાથ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલ બપોરથી આ વાવાઝોડાની અસર દેખાવા લાગશે.

તંત્ર દ્વારા નવસારીના ૪૨, સુરતના ૪૦, ભરૂચના ૪, ભાવનગરના ૩૩, અમરેલીના ૧૭ સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો દરિયાકાંઠાના નજીકના ગામોને ખાલી કરી દેવા સુચનાઓ પણ આપવામાં આવી છે.

ચક્રવાતી વાવાઝોડા 'અમ્ફાન' દેશના પૂર્વ દરિયાકાંઠાને વિનાશ વેર્યા બાદ બે સપ્તાહ પણ નથી થયાને હવે ભારતના પશ્ચિમ દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. આ વખતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકશે. જો કે તેનો પ્રભાવ અમ્ફાન વાવાઝોડાથી ઓછો હોઈ શકે છે. હાલ તે સમગ્રપણે વાવાઝોડુ પણ નથી. તે માત્ર એક ડિપ્રેશન એટલે કે દબાણ છે જે આજે મંગળવાર સવાર સુધીમાં ડિપ ડિપ્રેશન એટલે કે ભારે દબાણમાં ફેરવાઈ શકે છે અને પછી તે એક વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાનું નામ 'નિસર્ગ' રાખવામાં આવશે.

આ વાવાઝોડુ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યુ છે. રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વરની વચ્ચે, મુંબઈના દક્ષિણમાં અને દમણ, ગુજરાત કાંઠાની ઠીક નીચે આવતીકાલે બુધવારે કાંઠાને ટકરાઈ શકે છે. તે સમય સુધીમાં તેના વધુ ગંભીર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં વિકસીત થવાની આશંકા છે.

વાવાઝોડા નિસર્ગની વાત કરીએ તો જો પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ તો તે એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે મહારાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠા વાળા જીલ્લાઓમાં અસર કશ્રશે. મહારાષ્ટ્રમાં ૪ જૂન સુધી વરસાદ ચાલુ રહેશે.(૩૭.૬)

(11:36 am IST)