મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd June 2020

કોરોના હજુ શાંત પડયો નથી : WHO

હજુ પહેલા જેટલો જ ખતરનાક છે

જીનીવા તા. ૨ : વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ પહેલા જેટલો જ ખતરનાક છે અને તેના પ્રભાવને ઓછો ન આંકવામાં આવે. 'હુ' એ આ ચેતવણી ઇટલીના એક ડોકટરના બયાન પછી આપી છે, જેમનું કહેવું છે કે વાયરસ નબળો પડતો જાય છે. હુ ના ઇમર્જન્સી ડાયરેકટર માઇકલ ચ્યાનનું કહેવું છે કે આપણે સાવચેત રહેવાની જરૂર છે. વાયરસ અચાનક ખતમ થઇ જશે કે તેની અસર ઓછી થઇ જશે તેમ માનવું ખોટું છે.

ઇટલીના મિલાનમાં રહેતા ડોકટર અલ્બર્ટો જેંગ્રીલોએ એક સ્થાનિક ટેલીવીઝન સાથે વાતચીતમાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ સંક્રમણ પોતાની શકિત ગુમાવી રહ્યું છે અને ઓછું ઘાતક થઇ ગયું છે. તેમણે કહ્યું હતું કે એકથી બે મહિના પહેલાની સરખામણીમાં વાયરસ નબળો પડી ગયો છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે કલીનીકલ રૂપે કોરોના વાયરસ હવે ઇટલીમાં ઉપસ્થિત નથી.

ડોકટર ભલે વાયરસ નબળો પડવાનો દાવો કરે પણ, અધિકારીઓ અનુસાર ઉત્તરમાં લોમ્બાર્ડી સૌથી પ્રભાવિત ક્ષેત્ર બનેલું છે, અહીં અત્યાર સુધીમાં ૧૬૧૩૧ મોત થઇ ચુકયા છે અને ૮૯૦૧૮ કેસ જાહેર થયા છે. જોકે સોમવારે ફકત ૫૦ કેસ નવા નોંધાયા હતા. જે ઇટલીમાં ૨૬ ફેબ્રુઆરી પછી રોજના નોંધવામાં આવતા નવા કેસોમાં સૌથી ઓછા છે.  આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮ નવા કેસ આવ્યા છે અને કુલ દર્દીઓની સંખ્યા ૨,૩૩,૧૯૭ થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૦ લોકોના મોત થતા મૃતકોનો કુલ આંકડો ૩૩,૪૭૫ થઇ ગયો છે.

(10:40 am IST)