મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd May 2018

જેડે હત્યા કેસ : છોટા રાજન અને અન્ય આઠને આજીવન કારાવાસ

સનસનાટીપૂર્ણ કેસમાં સ્પેશિયલ મકોકા કોર્ટે ચુકાદો જાહેર કર્યો : દિપક સિસોદિયા સિવાય તમામ આરોપીઓને ૨૬-૨૬ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો : પ્રોસીક્યુટર દ્વારા મૃત્યુદંડ માટે સજાની માંગ કરવામાં ન આવી

મુંબઇ,તા. ૨: દેશના વાણિજ્ય પાટનગર મુંબઇના પવઇ વિસ્તારમાં પત્રકાર જ્યોતિર્મય ડેની ઘાતકી હત્યાના આશરે સાત વર્ષ બાદ સીબીઆઇની ખાસ અદાલતે આજે આ સનસનાટીપૂર્ણ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરી દીધો હતો. કોર્ટે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષિત જાહેર કર્યો હતો અને પત્રકાર જિગ્ના વૌરાને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી. મુંબઈની મકોકા કોર્ટે અંગ્રેજી અખબાર મિડ ડેના ક્રાઈમ રિપોર્ટર જ્યોતિર્મય ડેની હત્યા કેસમાં છોટા રાજનને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે છોટા રાજન સહિત અન્ય નવ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.  કોર્ટે જિગ્ના વોરા અને કોલસન જોસેફને નિર્દોષ છોડ્યા હતા. દિપક સિસોદિયા સહિત તમામ આરોપીઓને ૨૬-૨૬ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. હત્યા અને કાવતરાના મામલામાં તેને દોષિત જાહેર કરાયો હતો. દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે તે કોર્ટમાં ઉપસ્થિત રહ્યો હતો. પ્રોસીક્યુટર પ્રદિપ દ્વારા અપરાધીઓ માટે મૃત્યુદંડની સજાની માંગ કરવામાં આવી ન હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને ચુકાદો આપવા કોર્ટ ઉપર આ મામલો છોડવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહીના ચોથા સ્તંભ ઉપર આ હુમલો હતો. મામલામાં અભિયોજન પક્ષ તરફથી કોર્ટમાં આ તર્કને જોરદારરીતે રજૂ કરવાના પ્રયાસ કરાયા હતા કે, છોટા રાજન જેડેની તેની સામે લખવામાં આવેલા લેખના કારણે નારાજ હતો. છોટા રાજને કેટલાક કારણોસર તેની હત્યા કરાવી હતી. આ મામલામાં છેલ્લા ઘણા સમયથી ઉંડી તપાસ ચાલી રહી હતી અને આખરે આજે આ મામલામાં ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ મોડી સાંજે સજાની જાહેરાત  પણ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ખાસ ટીમે તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સતીષ કાલિયા, અનિલ વાઘમારે, અભિજીત શિંદે, નિલેશ શેડકે, અરુણ દાકે, મંગેશ આગવને, સચિન ગાયકવાડ, વિનોદ અસરાની, દિલીપ સિસોદિયા, કોલ્સન જોસેફની ધરપકડ કરવામાં આવી હતી. થોડાક મહિના બાદ પત્રકાર જિગ્ના વોરાની પણ ધરપકડ કરાઈ હતી. ભારત લાવવામાં આવ્યા બાદ છોટા રાજનને જેડે કેસમાં સીબીઆઈએ કસ્ટડીમાં લીધો હતો. રવિરિતેશ્વરને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો.  તે પહેલા જેડેની બહેન લીના એ પોતાના ભાઇની હત્યામાં સામેલ તમામ દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ કરીને અપીલ કરી હતી. લીનાએ કહ્યુ હતુ કે ફાંસીની સજા દોષિતોને મળ્યા બાદ જ જેડેના આત્માને શાંતિ થશે. લીનાએ કહ્યુ છે કે તેના ભાઇની હત્યા થયા બાદ પરિવારની હાલત કફોડી બની ગઇ છે. ગયા વર્ષે લીનાની માતાનુ અવસાન થયુ હતુ. તેમને હોસ્પિટલમાં લઇ જવા માટે કોઇ ન હતુ. વધારાના સત્ર ન્યાયાધીશ સમીર અડકરે ત્રીજી એપ્રિલના દિવસે ચુકાદો અનામત રાખ્યો હતો. એ દિવસે ચુકાદો બીજી મેના દિવસે આપવાની વાત કરવામાં આવી હતી. આ મામલાના આરોપીઓમાં ડોન રાજેન્દ્ર એસ નિખલજે ઉર્ફે છોટા રાજન અને મુંબઇની પત્રકાર જિગ્ના વોરાનો સમાવેશ થાય છે. છોટા રાજન હાલમાં દિલ્હી સ્થિત તિહાર સેન્ટ્રલ જેલમાં છે. અત્રે નોંધનીય છે કે જેડેની ૧૧મી જુન ૨૦૧૧ના દિવસે પવઇ વિસ્તારમાં દિન દહાડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. છોટા રાજનને બે વર્ષ પહેલા દુબઇથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો. આ કેસની પ્રાથમિક તપાસ લોકલ પોલીસ, મુંબઇ સીપીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કેસ ડિટેક્ટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. સીબીઆઇને કેસ સોંપતા પહેલા આ કેસમાં બે ચાર્જશીટ પણ તેની તરફથી કોર્ટમાં દાખલ કરવામા ંઆવી હતી. આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. 

(8:44 pm IST)