મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ચૂંટણીઓમાં ભાજપને હરાવવા ખેડૂતો સંગઠનો નવી રણનીતિ ઘડશે :15 માર્ચ સુધીના કાર્યક્રમોની જાહેરાત

ખેડૂત સંગઠનોએ હવે ભાજપ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો :પશ્ચિમ બંગાળ અને કેરળમાં ચૂંટણી માટે ટીમ મોકલાશે : છ માર્ચે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેને વિવિધ સ્થળોએ બ્લોક કરશે : 12 માર્ચના કોલકાતામાં એક જાહેર બેઠક : 8 માર્ચ મહિલા દિવસના રોજ પ્રદર્શનના તમામ સ્થળોએ મહિલા પ્રદર્શનકારીઓને આગળ રખાશે

નવી દિલ્હી : કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ હવે ભાજપ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. હવે ખેડૂતો વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને હરાવવા માટે નવી-નવી રણનીતિઓ બનાવી રહ્યાં છે. સંયુક્ત કિસાન મોર્ચાએ આજે 15 માર્ચ સુધીના પોતાના કાર્યક્રમોની જાહેરાત કરી હતી.

ભારતીય કિસાન યુનિયનના નેતા બલબીર સિંહ રાજેવાલ અને સ્વરાજ ઈન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે,'અમે પશ્ચિમ બંગાળ અને કેરળમાં ચૂંટણી માટે ટીમ મોકલશું.

અમે કોઈ પક્ષનું સમર્થન નહીં કરીએ. પરંતુ લોકોને અપીલ કરીશું કે એવા પક્ષને વોટ આપે જે ભાજપને હરાવી શકે છે. અમે લોકો ખેડૂતો પ્રત્યે મોદી સરકારના વલણ વિશે લોકોને માહિતી આપીશું.'

યોગેન્દ્ર યાદવે કહ્યું કે,'સંયુક્ત કિસાન મોર્ચાએ આજની બેઠકમાં 15 માર્ચ સુધીના કાર્યક્રમોની યોજના તૈયાર કરી છે. 6 માર્ચે આંદોલનને 100 દિવસ થશે ત્યારે ખેડૂતો સવારે 11 થી સાંજના 4 વાગ્યા વચ્ચે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેને વિવિધ સ્થળોએ બ્લોક કરશે. 8 માર્ચ મહિલા દિવસના રોજ પ્રદર્શનના તમામ સ્થળોએ મહિલા પ્રદર્શનકારીઓને આગળ રખાશે. 5 માર્ચના કર્ણાટરમાં 'એમએસપી અપાવો' આંદોલન શરૂ કરાશે.

અમે વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ અને સાથી પક્ષોને પાઠ ભણાવવા લોકોને અપીલ કરીશું. જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં અમે જશું. આ કાર્યક્રમ 12 માર્ચના કોલકાતામાં એક જાહેર બેઠક થકી શરૂ થશે. 10 ટ્રેડ યુનિયન સાથે અમારી બેઠક થઈ છે. સરકાર જાહેર ક્ષેત્રોનું ખાનગીકરણ કરી રહી છે તેના વિરોધમાં 15 માર્ચે સમગ્ર દેશના મજૂરો અને કર્મચારીઓ રોડ પર ઉતરશે અને રેલવે સ્ટેશનો બહાર ધરણા પ્રદર્શન કરશે

(11:08 pm IST)