મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

પોલિમરના MSME એકમને વાજબી ભાવે માલ આપવા માગ

ભાવ વધારાથી ઉત્પાદન,એમએસએમઈને મોટો ફટકો : ભારતમાં પ્લાસ્ટિકના કાચા માલોની કટોકટીને કારણે કૃષિ અને આરોગ્ય ક્ષેત્રને જોરદાર અસર થવાની શક્યતા

મુંબઈ, તા. ૨ : પોલીમરના કાચા માલોના ભાવવધારાથી ઉત્પાદન, એમએસએમઈને મોટો ફટકો પડ્યો છે. આને કારણે ૨૦,૦૦૦થી વધુ એમએસએમઈ પ્લાસ્ટિક એકમો બંધ થવાને આરે આવી ગયાં છે. આથી ઈન્ડિયન ઓઈલ, ગેઈલ ઓપલ, હલ્દિયા ફાર્માસ્યુટિકલ્સ, એમઆરપીએલ જેવાં જાહેર ક્ષેત્રના એકમોને એમએસએમઈ ક્ષેત્રને વાજબી કિંમતે પૂરતી માત્રામાં કાચા માલોનો પુરવઠો કરવા સૂચિત કરાય એવી માગણી ઉદ્યોગના સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે કરી છે. કમસેકમ એક વર્ષ માટે કાચા માલોની નિકાસ પર બંધી લાદવી જોઈએ. ભારતમાં પ્લાસ્ટિકના કાચા માલોની કટોકટીને કારણે કૃષિ અને આરોગ્ય ક્ષેત્રને અસર થવાની શક્યતા છે, એવી ચેતવણી પણ સંગઠનોએ આપી છે.

ખાદ્ય પ્રક્રિયા, કૃષિ, રમકડાં, આરોગ્ય સંભાળ, ફાર્મા, વાહન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝયુમર સેગમેન્ટ્સ માટે પ્લાસ્ટિકના માલોનું ઉત્પાદન કરતું પ્લાસ્ટિક પ્રક્રિયા ક્ષેત્ર અને માઈક્રો સ્મોલ એન્ડ મિડિયન એન્ટરપ્રાઈઝીસ ક્ષેત્રને કાચા માલોની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેને લીધે દેશભરમાં હજારો એકમો બંધ થવાને આરે છે.

દેશમાં પ્લાસ્ટિક પ્રક્રિયા ક્ષેત્રમાં લગભગ ૫૦,૦૦૦ એકમો આશરે પચાસ લાખ કર્મચારીઓને રોજગાર આપે છે અને તેઓ ક્ષમતાથી ૫૦ ટકા ઓછી કામગીરી કરી રહ્યાં છે અને જો કટોકટીનો ઉકેલ નહીં લવાય તો હજારો એમએસએમઈ બંધ થશે, એમ ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, ઓર્ગેનાઈઝેશન ઓફ પ્લાસ્ટિક્સ પ્રોસેસર્સ ઓફ ઈન્ડિયા, પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, ઈન્ડિયન પ્લાસ્ટિક્સ ફેડરેશન- કોલકતા, કર્ણાટક સ્ટેટ પ્લાસ્ટિક્સ એસોસિયેશન, મહારાષ્ટ્ર પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન, કેરળ પ્લાસ્ટિક્સ મેન્યુફેકરર્સ એસોસિયેશન, તેલંગાણા અને આંધ્ર પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન અને કેનેરા પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન સહિતનાં સંગઠનના પ્રમુખોએ જણાવ્યું છે.

પીએસયુ સહિતની મોટી પેટ્રોકેમિકલ કંપનીઓ કિંમતોમાં આડેધડ વધારો કરી રહી છે, જેને લીધે છેલ્લા ૮-૧૦ મહિનામાં કિંમતોમાં ૪૦થી ૧૫૫ ટકાનો ઉછાળો આવ્યો છે. મોટી પેટ્રોકેમિકલ કંપનીઓ બજારમાં કાચા માલોની તીવ્ર અછત સર્જી રહી છે, જેને લીધે પ્રીમિયમ અને કાળાંબજારને પ્રોત્સાહન મળી રહ્યું છે.

 

 

(8:07 pm IST)