મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

૨૦૨૧માં માર્ચ-મેમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં કાળઝાળ ગરમી પડશે

હવામાન ખાતાની આગામી ઊનાળા સંદર્ભે આગાહી : સામાન્ય કરતાં આ વખતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે, ખાસ કરીને માર્ચથી મેનો સમયગાળો આકરો રહેશે

પુણે, તા. ૨ : આ વખતનો ઉનાળો પ્રમાણમાં આકરો રહેવાનો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માર્ચ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની વકી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સામાન્ય કરતાં આ વખતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે રહેવાનું છે. ખાસ કરીને માર્ચથી મે મહિનાનો સમયગાળો આકરો રહેશે.

માત્ર દિવસનું જ નહીં, પરંતુ રાતનું તાપમાન પણ આ વખતે ઉંચું રહેવાની શક્યતા છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, પૂર્વ રાજસ્થાન, એમપી અને અન્ય સ્થળોએ રાત્રે પણ ગરમીનો અનુભવ થશે. દેશમાં ઉનાળો કેટલો આકરો રહેશે તેનો મોટો આધાર અલ નિનો અને લા નીનાની સ્થિતિ પર રહેતો હોય છે. લા નીનાના વર્ષમાં અલ નીનો વર્ષની સરખામણીએ હીટ વેવ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે.

આઈએમડીના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર, અલ નીનો વર્ષમાં તાપમાન ઉંચું રહેતું હોય છે. તેના કારણે હીટ વેવ પર ઘણો તીવ્ર રહેતો હોય છે. જેમ-જેમ દિવસો પસાર થતાં જશે તેમ-તેમ આ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ થતું જશે. ગયા વર્ષે વારંવાર આવેલા ચક્રવાત અને વાવાઝોડાંને કારણે ઉનાળો ખાસ આકરો નહોતો રહ્યો. વળી, હીટ વેવનું પ્રમાણ પણ ગયા વર્ષે ઓછું હતું, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આઈએમડીના ક્લાઈમેટ મોનિટરિંગ એન્ડ પ્રિડિક્શન ગ્રુપમાં હવામાન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ઓપી શ્રીજીતના જણાવ્યા અનુસાર, ગ્લોબલ વોર્મિંગની અસર છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ તીવ્ર બની છે. તેના કારણે જ કેટલાક ભાગોમાં ઉનાળામાં આકરી ગરમી અનુભવાય છે. દક્ષિણ તેમજ મધ્ય ભારતના જે ભાગોમાં તાપમાન થોડું ઓછું રહેશે, જેના માટે વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જવાબદાર હશે. એક તરફ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ઉનાળો આકરો રહેવાની વકી છે, ત્યારે દેશના મધ્ય અને દક્ષિણ ભાગમાં પ્રમાણમાં ગરમી ઓછી પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ફેબ્રુઆરીના અંત ભાગમાં જ ગરમી લાગવાની શરુ થઈ ગઈ છે, અને દિલ્હીમાં તો આ ફેબ્રુઆરી છેલ્લા ૧૨૦ વર્ષનો બીજો સૌથી ગરમ મહિનો સાબિત થયો હતો. ગુજરાતમાં પણ દિવસ અને રાતનું તાપમાન ધીરે-ધીરે ઉપર જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલ રાત્રી દરમિયાન અને વહેલી સવારે થોડી ઠંડી જ્યારે બપોરે આકરી ગરમી હોવાથી ડબલ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે.

(7:54 pm IST)