મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

આસામમાં બગીચાઓમાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચાની પત્તીઓ તોડી

આસામમાં ચૂંટણીઓને લઈને પક્ષો પ્રચારમાં વ્યસ્ત : મજૂરો સાથે વાત કરી, આસામની બહુરંગી સંસ્કૃતિ જ આસામની શક્તિ હોવાની કોંગ્રેસનાં નેતાએ ટ્વીટ કરી

નવી દિલ્હી, તા. ૨ : આસામ વિધાનસભા ચૂંટણીને પગલે રજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા બે દિવસના આસામ પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે મંગળવારે તેઓ રાજ્યના સઘારુ ટી સ્ટેટ પહોંચ્યા હતા. અહીં તેમણે ચાના બગીચાના મજૂરો સાથે મુલાકાત કરી હતી. આટલું જ નહીં, તેઓ બગીચામાં ચાની પત્તીઓ તોડતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું કે, આસામની બહુરંગી સંસ્કૃતિ જ આસામની શક્તિ છે. આસામ યાત્રા દરમિયાન લોકોને મળીને અહેસાસ થયો કે લોકો આ બહુરંગી સંસ્કૃતિને બચાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પોતાની સંસ્કૃતિ અને વારસો બચાવવા માટે આસામના લોકોની લડાઇમાં કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે.

આસામ પ્રવાસના બીજા દિવસે મંગળવારે આજે પ્રિયંકા ગાંધીની તેજપુરમાં એક જાહેરસભા પણ યોજાશે. ગઇકાલે સોમવારે પ્રિયંકા ગાંધીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ તેમણે બે દિવસીય પ્રવાસની શરૃઆત કરી હતી. આસામમાં ૧૨૬ વિધાનસભા બેઠકો માટે ૨૭મી માર્ચે, એક એપ્રિલ અને છ એપ્રિલે મતદાન યોજાશે.

(7:55 pm IST)