મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ભાજપાના સાંસદો અને પ્રધાનોને પોતે પોતાના મત વિસ્તારમાં રસી મુકાવવા આદેશ

નવી દિલ્હી તા.ર :વડાપ્રધાન મોદીએ રસી મુકાવીને આ બાબતે લોકોનો ખચકાટ દુર કરવાની દિશામાં પહેલ કરી છે. હવે ભાજપાના સાંસદો અને પ્રધાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના મત વિસ્તારમાં રસીકરણ કરાવે. ઉચ્ચ પદસ્થ સુત્રો અનુસાર, મંગળવારથી જ પ્રધાનો પોતાના વિસ્તારમાં જઇને રસી મુકાવવાનું શરૂ કરી દેશે. સંસદ ચાલુ ન હોવાના કારણે મોટા ભાગના સાંસદો  પોત પોતાના વિસ્તારોમાં જ છે. બધાને રસીકરણ માટે બહાર પડાયેલ દિશા નિર્દેશોનું પાલન કરવાનું પણ કહેવાયું છે.

મોટા પાયે શરૂ થયેલ કોરોના રસીકરણના પહેલા દિવસે લોકોને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં તકલીફો થઇ હતી. કેટલાય લોકોએ પ્લેસ્ટોર કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ નિષ્ફળતા મળી પછી આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે કોવિન એપ ફકત પ્રશાસનિક કામો માટે છે અને લોકોએ કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. જો કે પોર્ટલ પણ વધારે ટ્રાફિકને સંભાળવામાં અસમર્થ રહયુ હતુ.

આરોગ્ય મંત્રાલયે પહેલા દિવસે થયેલ રજીસ્ટ્રેશનના આંકડાઓનો બહાર નથી પડયા પણ જણાવાઇ રહયુ છે કે બપોરે એક વાગ્યા સુધીમાં જ લગભગ ૧૦ લાખ લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુકયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો રસી મુકાવવા વેકસીનેશન સેન્ટર સીધા પહોંચી ગયા હતા. પહેલા દિવસે વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત આખા દેશમાં કેટલાય નેતાઓ, પ્રધાનો અને રાજયપાલોએ રસી મુકાવી હતી. વડાપ્રધાનને રસી મુકાયાનો ઉલ્લેખ કરતા આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહયું કે આનાથી કોરોના રસી સામેના દુષ્પ્રચારને લગામ મુકાશે અને લોકોના હિચકિચાટ દુર થશે. ઉલ્લેખનીય છે કે છતીસગઢ સરકારે પોતાને ત્યાં રસી મુકવાની ના પાડી હતી.

(11:42 am IST)