મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ગુજરાતમાં હાલ ભાવો સ્થિર : પણ ગમે ત્યારે વધી શકે

હવે... વિમાની મુસાફરી મોંઘી બનવાના એંધાણ : જેટ ફયુઅલના ભાવોમાં તોતીંગ વધારો થતા એરલાઇન્સ કંપનીઓ વધારો ઝીંકી દેશે

ઓઇલ કંપનીઓએ ATFમાં પ્રતિ કિલોલીટર ૩૬૦૦નો વધારો કર્યો : બિહારમાં ખાનગી બસ માલીકોએ ૨૫ ટકા ભાડા વધારી દીધા

નવી દિલ્હી તા. ૨ : હવાઇ જહાજની મુસાફરી કરતા લોકો માટે મોટી ખબર આવી છે, ગઇકાલે જેટ ફયુઅલ અને એટીએફની કિંમતમાં ભારે વધારો થયો છે, પેટ્રોલ - ડીઝલના ભાવમાં ભારે વધારો ઝીંકાતા તેની અસર એવીએસન ટરબાઇન ફયુલ (એટીએફ)ના ભાવમાં ૬.૫ ટકાનો વધારો ઝીંકાયો છે, ઓઇલ કંપનીઓએ એટીએફની કિંમતોમાં પ્રતિ કિલોલીટર ૩૬૬૩નો વધારો કર્યો છે, દિલ્હીમાં હવે ભાવ ૫૯૪૦૦એ પહોંચી ગયા છે.

એટીએફના ભાવમાં વધારો થતા, હવે ફલાઇટોની ટીકીટોના ભાવ વધી શકે છે, ફેબ્રુઆરીથી આ ત્રીજી વખત ભાવો વધ્યા છે, એરલાઇન્સ કંપનીઓનો ૫૦ ટકા ખર્ચ જેટ ફયુઅલમાં થતો હોય છે, ટિકિટના ભાવો તો વધશે સાથોસાથ કાર્યોનો પણ ભાવ વધારો ઝીંકાય તેવી શકયતા છે, આની અસર ડાયરેકટ મુસાફરો ઉપર પડશે. તે ઉપરાંત મુસાફરોની સંખ્યામાં ઘટાડો થાય તેવી પણ શકયતા છે.

હાલ કોરોના સામે જંગ બાદ હવાઇ સેવા પહેલા જેવી થઇ ગઇ છે, રવિવારે ૩ લાખ ૧૩ મુસાફરોએ વિમાન મુસાફરી કરી હતી, ૨૦૨૦માં પુનઃ હવાઇ મુસાફરી શરૂ થતાં બાદ આ સૌથી વધુ સંખ્યા છે.

દરમિયાન બિહારમાં તો ખાનગી ઓટો અને બસ માલીકોએ ૧૫ માર્ચથી સરકારની મંજુરી મળે કે નો મળે ૨૫ ટકા ભાડા વધારાની જાહેરાત કરી દીધી છે, પેટ્રોલ - ડીઝલના ભાવો ભડકે બળતા આ ભાડા વધારાનો નિર્ણય બિહાર મોટર્સ ટ્રાન્સપોર્ટસની મળેલ મીટીંગમાં નિર્ણય લેવાયો હતો.

દરમિયાન પેટ્રોલ - ડીઝલના ભાડા વધારાની અસર ગુજરાતના રીક્ષા - ટેકસી - બસ ચાલકોમાં પણ જોવા મળી રહી છે, હાલ જો કે, આ લોકોએ ભાડા વધાર્યા નથી, પરંતુ ગમે ત્યારે વધી શકે છે તેવો નિર્દેશ ખાનગી ટ્રાવેલ્સ એસો.ના એક હોદ્દેદારે આપ્યો હતો. જો કે, ગુજરાત સરકારનું એસટી બોર્ડ પણ પેટ્રોલ - ડીઝલની કિંમત જોતા બસના ભાડા વધારે તેવી શકયતા પણ અધિકારી વર્તુળો દાખવી રહ્યા છે.

(11:41 am IST)