મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

કાનપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના, ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયાઃ ૬નાં કરૂણ મોત

વાહનનો ડ્રાઇવર મોટા અવાજે ગીતો વગાડતો હતો ત્યારે જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બની દુર્ઘટના

કાનપુર, તા.૨: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટી માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ૬ લોકોનાં દર્દનાક મોત થયા છે. અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના બાદ દ્યટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. સાથોસાથ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, આ મામલો કાનપુર ગ્રામ્યના ભોગનીપુર પોલીસ સ્ટેશનની હદનો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે પર એક ઓવરસ્પીડ ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ. જેના કારણે ટ્રકમાં સવાર ૨૨ લોકો નીચે દબાઈ ગયા. આ દુર્દ્યટનામાં ૬ લોકોનાં કરૂણ મોત થયા છે. બીજી તરફ અન્ય ૧૬ શ્રમિકોને ખૂબ જ મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી ૮ શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ છે, જે પૈકી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અન્ય ૮ શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પરિજનોની પાસે લઈ જવામાં આવ્યા છે.

(10:35 am IST)