મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

જમ્મુ- કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધી વરસાદ- બરફવર્ષા પડશે

આ સપ્તાહમાં ગુજરાત સહિતના રાજયોમાં તાપમાનમાં ફરી ઘટાડો આવશે

દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળશે

નવીદિલ્હીઃ માર્ચ મહિનો બેસી ગયો છે પરંતુ દેશભરમાં હવામાન એક સરખું નથી. કયાંક ગરમી છે તો કયાંક ઠંડીની અસર પણ હજી જોવા મળે છે. આવતા ત્રણ થી ચાર દિવસોમાં હવામાન ખાતાના નિષ્ણાતો કહે છે કે કેટલાક ભાગોમાં વરસાદ અને બરફ વર્ષા ફરી થઇ શકે છે.

વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધરના કહેવા મુજબ જમ્મુ કાશ્મીરથી લઇને હિમાચલ પ્રદેશ સુધી ફરી એકવાર વરસાદ અને હિમપાતની સંભાવના છે.

હવે પછીના બે દિવસોમાં પંજાબ થી લઈને ગુજરાત તથા દિલ્હી અને મધ્યપ્રદેશમાં તાપમાન ઘટવાની સંભાવના છે. ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

ઉત્તર ભારતમાં ઉષ્ણતામાનમાં મોટો ઘટાડો નોંધાવા સાથે અમૃતસર જલંધર પઠાણકોટ લુધિયાણા પટિયાલા મોગયા અંબાલા યમુનાનગર કુરૂક્ષેત્ર પાણીપત સોનીપત રેવાડી સહિત રાજસ્થાનના જયપુર ચુરૂ ગંગા નગર અને આસપાસના ભાગોમાં વહેલી સવારે ઠંડીનો ફરી એક દોર આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આ સપ્તાહ દરમ્યાન પહાડી વિસ્તારોમાં વરસાદ, બરફવર્ષા, વિજળી પડવાની પણ સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાચલ અને ઉત્તરાખંડની નજીક છે. બન્ને રાજયોમાં આ સપ્તાહમાં હવામાનમાં ફરી પલ્ટો આવશે. મેદાની વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરાગઢ જિલ્લામાં હળવો વરસાદ, ગાજવીજ અને બરફવર્ષાની સંભાવના છે. જયારે હિમાચલ પ્રદેશના કેલાન્ગ, ચંબા, ધર્મશાલા, કલ્પા, મનાલીમાં કયાંક આંધી તોફાન સાથે બરફવર્ષા થશે.

(10:35 am IST)