મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

સ્કૂટર પર જતા પરિવારને કારે ટક્કર મારતાં પાંચનાં મોત થયા

તામિલનાડુના પેરામ્બલુર જિલ્લાની ગમખ્વાર ઘટના : બે છોકરીઓ સહિત પાંચ લોકોના મોત જ્યારે એક છોકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કારમાં સવાર લોકો નાસી ગયા

ત્રિચી, તા. : પેરામ્બલુર જિલ્લામાં કુન્નામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્પાપી ગઈ છે. રવિવારે થયેલા અકસ્માતમાં એક સ્કૂટર પર પરિવારના સભ્યો જઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવેલી એક કારે સ્કૂટરને અડફેટે લીધું હતું. જેમાં બે છોકરીઓ સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક છોકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

પોલીસે જણાવ્યું હતું કે ૨૭ વર્ષીય એસ પરમેશ્વરી, તેમની ત્રણ વર્ષીય પુત્રી સેમનીલા, ભત્રીજી નંદિતા અને ભત્રીજા તમિલનિલાવન બંનેની ઉંમર બે વર્ષ અને તેમની માતા ધાનમ સ્કૂટર પર જઈ રહ્યા હતા. સ્કૂટર તેમનો નાનો ભાઈ ૧૯ વર્ષીય શક્તિવેલ ચલાવી રહ્યો હતો. તેઓ પોતાના સંબંધીને મળ્યા બાદ કુલાપ્પડી ગામથી વેપ્પુર જઈ રહ્યા હતા.

એક સાથે આટલા બધા લોકો સ્કૂટર પર જઈ રહ્યા હતા અને ત્યારે ઈચિલાકુટ્ટી ગામ નજીક એક કાર સામેથી પૂર ઝડપે આવી હતી અને સ્કૂટરને અથડાઈ હતી. કારની ઝડપ વધુ હતી અને તેના કારણે સ્કૂટર પરના તમામ લોકો ઉછળીને પટકાયા હતા. જેના કારણે પરમેશ્વરી, સેમનીલા અને નંદિતાને માથામાં ઈજા થઈ હતી અને તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે ધનમે પેરામ્બલુર સરકારી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શક્તિવેલને જનરલ હોસ્પિટલમાંથી ત્રિચીની એમજીએમજીએચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે તમિલનિલવન હાલમાં સારવાર હેઠળ છે અને તેને ગંભીર ઈજાઓ થઈ છે.

અકસ્માત બાદ કારમાં સવાર લોકો ત્યાંથી ભાગી ગયા હતા. હાલમાં તેમની શોધ કરવામાં આવી રહી છે. સ્કૂટર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કારમાં સવાર લોકો નશાની હાલતમાં હતા પરંતુ પોલીસે જણાવ્યું હતું કે અત્યારે તે ખાતરીપૂર્વક કહી શકાય નહીં.

(12:00 am IST)