મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

દેશમાં મોંઘા બાઇક અને અલ્ટ્રા લક્ઝરી કાર માટે થયું "પ્રિમિયમ પેટ્રોલ" લોન્ચ:160 રૂપિયે લીટર

અમેરિકા અને જર્મની સહિત વિશ્વના છ દેશોમાં જ વેચાય છે

નવી દિલ્હી : દેશમાં પ્રીમિયમ બાઇક અને અલ્ટ્રા લક્ઝરી કારની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આ હાઇ એન્ડ કાર અને બાઇક માટે વર્લ્ડ ક્લાસ પ્રીમિયમ પેટ્રોલ લોન્ચ કર્યું છે. હાલમાં આ પ્રકારનું પેટ્રોલ અમેરિકા અને જર્મની સહિત વિશ્વના છ દેશોમાં જ વેચાય છે. આ પેટ્રોલને XP100 (100 Octane) પેટ્રોલ કહેવામાં આવે છે.

આ વર્લ્ડ ક્લાસ પેટ્રોલ લોંચ થયા બાદ હવે તમારે કરોડો રૂપિયાની કાર અને લાખો રૂપિયાની બાઇકમાં સામાન્ય પેટ્રોલ પુરાવી ને કામ ચલાવવું નહીં પડે. આ કાર અને બાઇક માટે જર્મની અને અમેરિકામાં મળતું ખાસ પ્રકારનું પેટ્રોલ હવે ભારતમાં પણ હવે ઉપલબ્ધ થઈ ગયું છે. તેનું વેચાણ દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ સહિત દેશનાં 15 શહેરોમાં શરૂ થઇ ગયું છે. તેની કિંમત આશરે 150 રૂપિયા પ્રતિ લિટર હોવાનું કહેવાય છે. દિલ્હી અને નોઈડામાં ભાવ પ્રતિ લીટર રૂ. 160 છે

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ પ્રસંગે પ્રધાને કહ્યું કે આ લોન્ચિંગ સાથે ભારત એવા ખાસ દેશોમાં સામેલ થયો છે જ્યાં 100 Octane પેટ્રોલ વેચાય છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે અમે ઉર્જાના શ્રેષ્ઠ સ્વરૂપને આપવા માટે તત્પર છીએ.

ઇન્ડિયન ઓઇલનાં ચેરમેન શ્રીકાંત વૈદ્યએ જણાવ્યું કે XP100 અલ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ કાર અને બાઇકના પર્ફોરમન્સમાં નોંધપાત્ર સુધારો થશે. તેનો પાવર પણ વધશે. તેનાથી ડ્રાઇવિંગનો અનુભવ પહેલા કરતા વધુ સારો બનશે. ઇન્ડિયન ઓઇલ અલ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ શરૂ કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. હાલમાં બજારમાં ઉપલબ્ધ પેટ્રોલ 91 Octane છે.

(9:39 pm IST)