મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

મારી પુત્રી એન્ટી નેશનલ : જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની શેહલા રશીદના પિતાએ ડીજીપીને પત્ર લખ્યો

પુત્રીથી જીવનું જોખમ હોવાથી સુરક્ષા માંગી

નવી દિલ્હી તા. ૧ : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)ની પૂર્વ વિદ્યાર્થિની શેહલા રશીદના પિતા અબ્દુલ રશીદ શોરાએ જમ્મુ-કાશ્મીરના ડીજીપીને પત્ર લખીને પોતાની પુત્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે. અબ્દુલ રશીદે પત્રમાં દાવો કર્યો છે કે, તેમને પોતાની પુત્રીથી જીવનું જોખમ છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી લખેલા પત્રમાં અબ્દુલ રશીદે કહ્યું કે, શેહલા રશીદને તેમની મોટી પુત્રી અસમા રશીદ અને પુત્રી જુબૈદા શોરા સાથે જ તેમના સિકયોરિટી ગાર્ડ સકિબ અહમદનું સમર્થન છે.

પિતાએ આરોપ લગાવ્યો કે, તેમના જીવને જોખમ ૨૦૧૭માં તે સમયે શરૂ થયું, જયારે શેહલા રશીદ અચાનક કાશ્મીરની રાજનીતિમાં આવી. શેહલાએ સૌ પ્રથમ નેશનલ કોન્ફરન્સ પાર્ટી જોઈન કરી અને પછી જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટમાં સામેલ થઈ.

શેહલાના પિતાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે, મારી પુત્રી શેહલા દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. ટેરર ફંડિગ મામલે પહેલાથી જ એન્જિનિયર રાશીદ અને જહૂર વટાલીની ધરપકડ થઈ ચૂકી છે. આ નેતાઓએ તેમની પુત્રીને નવી પાર્ટીમાં સામેલ થવા માટે ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

બીજી તરફ શેહલા રશીદે ટ્વીટ કરીને પિતા તરફથી પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવ્યાં છે. શેહલાએ ટ્વીટમાં લખ્યું છે કે, મારા જૈવિક પિતા તરફથી મારા, મારી માતા અને બહેન વિરૂદ્ઘ જે આરોપ લગાવવામાં આવ્યા છે, તે પાયાવિહોણા છે. શેહલાએ પિતા પર પોતાની માતાને ફટકારવાનો આરોપ લગાવ્યો છે. શેહલાએ કહ્યું કે, અમે તેમના વિરૂદ્ઘ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

(3:30 pm IST)