મુખ્ય સમાચાર
News of Friday, 1st December 2017

મહાકાલની પૂજા કેવી રીતે કરવી? એવું કોઇ દિ' કીધુ જ નથી

ઉજજૈનમાં વિશ્વ વિખ્યાત મંદિર બહાર 'સુપ્રિમ કોર્ટનો આદેશ છે' તેવા બોર્ડ લાગતા જ સુપ્રિમ કોર્ટે નારાજગી દર્શાવી : કોર્ટની ઝાટકણી પછી મંદિર વ્યવસ્થાપન સમિતિએ તુરંત જ બોર્ડ હટાવી લેવા પડયાઃ પૂજા પધ્ધતિ સાથે કોઇ લેવા-દેવા નથીઃ કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ

રાજકોટ, તાઃ ૧: દેશ-વિદેશ સહિત દુનિયાભરના લાખ-કરોડો શ્રધ્ધાળુઓના આસ્થા કેન્દ્રસમા ઉજજૈન ખાતે બિરાજમાન શ્રી મહાકાલ મંદિરે પૂજાના નિયમો દર્શાવતા બોેર્ડ લગાડાયેલા હોવાનું ધ્યાને આવતા જ સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યકત કરી કહી દીધુ છે કે, પૂજા પધ્ધતિ સાથે કોર્ટને કોઇ લેવા દેવા નથી... મહાકાલની પૂજા કેવી રીતે કરવી? એવુ કોઇ દિવસ કીધુ જ નથી.

શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજાના નવા નિયમોને કોર્ટનો ઓર્ડર જણાવી લાગુ કરવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી છે. મંદિર મેનેજમેન્ટને ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું કે, પૂજાવિધિ સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. ઉપરાંત સમિતિને આ સાથે સંકળાયેલા તમામ બોર્ડ તાત્કાલિક હટાવવાનો ઓર્ડર કર્યો હતો. આગામી સુનાવણી ૪ ડિસેમ્બરે થશે. ઉલ્લેખીય છે કે ઓકટોબર મહિનામાં સુપ્રીમ કોર્ટે મહાકાલમાં શિવલિંગનું ખવાણ રોકવાની પિટીશન પર સુનાવણી કરતાં એકસપર્ટ કમિટીના ૭ સૂચનો પર સહમતિ આપી હતી.

શિવલિંગના ખવાણ સાથે જોડાયેલી પિટીશન પર સુનાવણી દરમિયાન જસ્ટિસ અરૂણ મિશ્રાએ મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા બોર્ડનો ફોટો માંગ્યો. જેમાં લખવામાં આવ્યું છે કે, પૂજાના નવા નિયમો સુપ્રીમ કોર્ટના આદેશથી લાગુ થયા છે.

ફોટો જોયા બાદ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે, મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મઆરતી કેવી રીતે થાય? શિવલિંગને કાપડથી ઢાંકવું કે નહીં? એવો કોઇ આદેશ અમે આપ્યો નથી. પંચામૃત પર પણ કંઇ કહ્યું નથી. મહાકાલેશ્વરની પૂજા સાથે કોર્ટને કોઈ લેવા-દેવા નથી.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, શિવલિંગના ખવાણ મુદ્દે કોર્ટે એકસપર્ટ કમિટી બનાવી હતી. તેમના રિપોર્ટ બાદ મંદિર બોર્ડે કેટલા સૂચનો કર્યા હતા. સૂચનો પર સહમતિ આપવાથી આદેશ નથી થઈ જતો. કમિટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ અવગણનાનો મામલો છે.

ઉપરાંત જસ્ટીસ શ્રી મિશ્રાએ એવી પણ ચેતવણી આપી કે આ મુદ્દા પર ખોટું રિપોર્ટિંગ કરનારા અને ખોટી નિવેદનપાજી કરનારા પક્ષકારો પર અદાલતમાં અવમાનનાની કાર્યવાહી કરાશે.

મંદિર મેનેજમેન્ટ કમિટીએ ગઇકાલે સવારે ૧૧.૪૦ કલાકે મંદિરમાં લાગેલા તમામ બોર્ડ હટાવી લીધા હતા. બોર્ડમાં લખવામાં આવ્યું હતું કે, વ્યવસ્થામાં ફેરફાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કરવામાં આવ્યો છે. ઉપરાંત મંદિર પરિસરમાં વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ લગાવાશે. તેનાથી કોટિતીર્થ કુંડનું પાણી સ્વચ્છ થશે. ગર્ભગૃહમાં ડ્રાયર અને પંખા લગાવાશે. જેનાથી શિવલિંગ પર ભેજ ઘટશે.

(5:10 pm IST)