મુખ્ય સમાચાર
News of Friday, 1st November 2019

આલેલે...દાંત વાંકા-ચૂંકા હોવાથી આપ્યા તલાક

હેદ્રાબાદનો કિસ્સોઃ પોલીસે પતિની કરી ધરપકડ

હૈદ્રાબાદ, તા.૧:ટ્રિપલ તલાકનો કડક કાયદો બન્યો હોવા છતાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હૈદરાબાદથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સે પત્નીના દાંત વાંકાચૂકા હોવાથી તેને ટ્રિપલ તલાક આપી દીધા હોવાની દ્યટના બની છે. પોલીસે તલાક આપનારા શખ્સની ધરપકડ કરી છે. પીડિત મહિલા રુખસાના બેગમે જણાવ્યું કે, મુસ્તફા સાથે તેના લગ્ન ૨૭ જૂન ૨૦૧૯ના રોજ થયા હતા.

રુખસાનાએ કહ્યું, 'લગ્ન વખતે પતિ અને તેના પરિવારે અમારી પાસેથી ઘણી વસ્તુઓ માગી હતી અને અમે તેમની બધી જ માગ પૂરી કરી હતી. લગ્ન બાદ પતિ અને તેના પરિવારે મને પિયરમાં હજુ વધારે સોનું તેમજ રૂપિયા લાવવાનું કહીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. મુસ્તફાએ મારા ભાઈ પાસેથી નવું બાઈક પણ લીધું હતું. સાસરામાં મને રોજ પરેશાન કરવામાં આવતી હતી. મારા પતિએ મને કહ્યું કે, મારા દાંત વાંકાચૂકા હોવાથી હું તેને પસંદ નથી. મેં મુસ્તફાને પૂછ્યું કે લગ્ન પહેલા મને જોઈ હતી અને ત્યારબાદ જ લગ્ન થયા હતા. ત્યારે હવે શું કારણ છે કે મારા દાંત ગમતા નથી.'

પીડિતાએ આગળ કહ્યું, 'સાસરાવાળાએ મને ૧૦-૧૫ દિવસ માટે ઘરમાં પૂરી રાખી હતી. હું બીમારી પડી ત્યારે મારા માતા-પિતાને જાણ કરીને અને મને પિયરમાં મોકલી દીધી. મેં આ વિશે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારે મારા પતિ અને સાસરાવાળાએ સમાધાન કર્યું અને મને પરત લઈ જવા તૈયાર થયા હતા. ૧ ઓકટોબરે મુસ્તફા આવ્યો અને તેણે મને પાછી લઈ જવાની ના પાડી દીધી. એટલું જ નહિ તેણે મારા માતા-પિતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

પીડિતા રુખસાના બેગમે કહ્યું, 'મુસ્તફાએ કહ્યું કે તેને મારા દાંત પસંદ નથી. તેણે ત્રણવાર તલાક કહ્યું અને ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં મેં દ્યણા દિવસ સુધી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ૧૨ ઓકટોબરે મેં તેને ફોન કરવાની કોશિશ કરી તો તેણે મારો ફોન ઉઠાવ્યો અને કહ્યું કે, આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. ત્યારબાદ તેણે ફરી ત્રણવાર તલાક કહ્યું અને ફોન મૂકી દીધો. હું ઘણા દિવસ સુધી તેના અને તેના પરિવારની પ્રતિક્રિયાની રાહ જોતી રહી પરંતુ નિષ્ફળતા મળી.'

આ ઘટના બાદ મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ૨૬ ઓકટોબરના રોજ પતિ અને સાસરિયાવાળા સામે ફરિયાદ નોંધાવી. જેમાં ટ્રિપલ તલાક અને દહેજ માટે ત્રાસ આપવાનો ઉલ્લેખ કર્યો છે. કુશાગાડા પોલીસ સ્ટેશનના સર્કલ ઈન્સ્પેકટર ચંદ્રશંકરે ન્યૂઝ એજન્સીને કહ્યું, 'અમને રુખસાના બેગમ તરફથી ફરિયાદ મળી છે. તેના પતિએ દાંત વાંકાચૂકા હોવાનું કહીને દહેજ માટે પરેશાન કર્યા બાદ તલાક આપ્યા હોવાની વાત કરી છે. મુસ્તફાની ૩૦ ઓકટોબરના રોજ ધરપકડ કરી છે. તેની સામે દહેજ અને ટ્રિપલ તલાકનો ગુનો દાખલ કરાયો છે. તપાસ ચાલુ છે.

(3:42 pm IST)