મુખ્ય સમાચાર
News of Friday, 1st November 2019

કાશ્મીરમાંથી બીજા રાજ્યોના હજારો મજુરોની અવિરત હિજરત

૫૦ હજારથી વધારે નોન કાશ્મીરી મજુરો કામ છોડીને ભાગી ગયાઃ ભયનો ભારે માહોલ

જમ્મુઃ. છેલ્લા બે સપ્તાહમાં દક્ષિણ કાશ્મીરમાં ટ્રક ડ્રાઈવરો અને મજુરોની હત્યાઓનો આંકડો અગીયાર પર પહોંચ્યો છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર ઓકટોબરના મધ્યમાં રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની હત્યા પહેલા લગભગ ૫૦ હજાર બિન કાશ્મીરી મજુરો કામ કરતા હતા. આ હત્યા પછી એક ફળના વેપારી અને વધુ બે ટ્રક ડ્રાઈવરોની હત્યા પછી બિન કાશ્મીરી મજુરોમાં ભય ફેલાયો હતો. અધિકારીએ કહ્યુ કે છેલ્લા એક અઠવાડીયામાં લગભગ ૨૫૦૦૦ મજુરોએ હિજરત કરી હતી અને ગઈરાત્રે ૫ પશ્ચિમ બંગાળી મજુરોની હત્યા પછી બાકીના મજુરો બહુ ભયભીત છે.

ગઈ રાત્રે પશ્ચિમ બંગાળના પાંચ મજુરોની ગોળી મારીને હત્યા કરાઈ હતી જ્યારે એક ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ બાંધકામના મજુરો એક ભાડાની રૂમમાં રહેતા હતા, તેમને લાઈનમાં ઉભા રાખીને આતંકવાદીઓએ ગોળી મારી હતી. આ મજુરોની ઓળખ મુર્સલીમ શેખ, કમરૂદ્દીન, મોહમ્મદ રફીક, નઈમુદ્દીન શેખ અને રફીકુલ શેખ રહેવાસી સાગરદીધી, મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ તરીકે થઈ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે દર વર્ષે અહીં લગભગ પાંચ લાખ મજુરો કામ કરવા આવતા હોય છે. જેમાં મોટા ભાગના બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના હોય છે પણ આ વર્ષે ફકત ૨ લાખ મજુરો જ આવ્યા છે. તેમાંથી પણ સપ્ટેમ્બર સુધીમાં ૯૦ ટકા લોકો સરકારના આદેશ પછી પાછા જતા રહ્યા હતા.

બિન કાશ્મીરી મજુરોમાં અત્યારે ભયનો માહોલ હોવા છતાં અમુક મજુરો રોકાયેલા છે. જે પરિસ્થિતિ થાળે પડશે તેવી આશામાં અહીં ભયાવહ સ્થિતિમાં પણ રોકાયેલા છે. તેમાના એક બિહારના મહમ્મદ શાધીરે જણાવ્યુ કે હું છેલ્લા એક દાયકાથી ભયાનક હિંસામાં પણ અહીં રહ્યો છું, પણ કાશ્મીરમાં આવી ભયજનક સ્થિતિ મેં કયારેય નથી જોઈ. મારી પત્ની મને વારંવાર પાછો બોલાવી રહી છે. હું બે-ચાર દિવસ રાહ જોઈશ નહીં તો પછી મારા ઘરે પાછો જતો રહીશ.

(3:27 pm IST)