મુખ્ય સમાચાર
News of Saturday, 1st October 2022

ટીનેજરનો જન્‍મ થયો ત્‍યારે તેના બે અલગ નસકોરા અને માથાનો આકાર પણ વિચિત્ર હતો

આ અમેરિકન ટીનેજર બે ચહેરા સાથે જન્‍મ્‍યો

 ન્‍યુયોર્ક,તા.૧ : શારીરિક ખોડખાંપણ સાથે જન્‍મેલાં બાળકોનો ઉછેર કેટલો પડકાજરજનક હોય છે એ વાત તેમના પેરન્‍ટ્‍સ જ જાણતા હોય છે. અમેરિકાના મિઝોરી રાજ્‍યમાં ટ્રેસ જૉનસન નામનો ટીનેજર બે ચહેરા સાથે જન્‍મ્‍યો છે. આવી જનીનને કારણે ઉદ્ભવતી સમસ્‍યા વિશ્વમાં ૩૬ લોકોને હોય છે, જે સોનિક ધ હેજહોગ જનીનને કારણે થાય છે અને એ માનવ ખોપરીના વિકાસને વિકળત કરે છે. આવા લોકો માત્ર ૧૦ વર્ષ જેટલું જ જીવે છે. ડૉક્‍ટરોની આ વાતને ખોટી પાડી ટ્રેસના પેરન્‍ટ્‍સે ૧૮મા જન્‍મદિનની ઉજવણી કરી છે. ટ્રેસનો જન્‍મ થયો ત્‍યારે તેનાં બે અલગ નસકોરાં અને માથાનો આકાર પણ વિચિત્ર હતો. ટ્રેસની મમ્‍મી બ્રૅન્‍ડીએ કહ્યું કે ‘જ્‍યારે તેનો જન્‍મ થયો ત્‍યારે મોઢા નજીક એટલી મોટી ફાટ હતી કે ગળાની અંદરનો ભાગ પણ દેખાતો હતો. તેની એક આંખ બહાર નીકળી રહી હોય એવું લાગતું હતું અને બીજી અંદર ખેંચાઈ ગઈ હતી. તેની બે આંખો વચ્‍ચે વધુ અંતર છે. દવાને કારણે તેની પરિસ્‍થિતિમાં ઘણો સુધારો થયો છે. તેની આ ફાટને બંધ કરવા તેમ જ તેની ખોપરીને ફરીથી આકાર આપવા માટેનું ઑપરેશન કરાવ્‍યું છે. જો મારા પતિએ લડત ન આપી હોત તો ડૉક્‍ટરો ટ્રેસને જીવતો રાખવા માટેના વધુ -યત્‍ન ન કરત. મારા માટે મારો દીકરો જીવે છે એ વધુ મહત્ત્વનું છે.' બ્રેન્‍ડીના મતે ગાંજાના તેલનો ઉપયોગ ટ્રેસ માટે ચમત્‍કાર સાબિત થયો હતો, જેને કારણે તેના સ્‍વાસ્‍થ્‍યમાં ઘણો ફરક પડ્‍યો હતો. એક વ્‍યક્‍તિએ સામાન્‍ય દેખાય એ માટે સર્જરીની વાત કરી છે, પરંતુ તેના પેરન્‍ટ્‍સને તે કેવો દેખાય છે એના કરતાં તે જીવે છે અને આરામદાયક પરિસ્‍થિતિમાં હોય એ વાત મહત્ત્વની છે.

(3:47 pm IST)